Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પે એન્ડ પાર્કનો મુદ્દો ફરીવાર માથાનો દુખાવો બની રહ્યો છે

કોન્ટ્રાકટરો પુરતો રસ દાખવી રહ્યા નથીઃ શહેરના નવા ૨૫ પે એન્ડ પાર્ક પૈકી પાંચમાં કોન્ટ્રાક્ટરોએ તૈયારી દાખવી : અમદાવાદ કોર્પોરેશન સત્તાવાળા ચિંતિત

અમદાવાદ, તા.૧૯: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમનના હેતુથી હાઈકોર્ટના આદેશના પગલે પાર્કિંગ વ્યવસ્થા સહિતના પગલાં લેવાઇ રહ્યા છે પરંતુ તેમાં અમ્યુકો તંત્રને ધારી સફળતા મળી નથી રહી, જેને લઇ અમ્યુકો સત્તાધીશોની ચિંતા વધી છે. ખાસ કરીને શહેરમાં પે એન્ડ પાર્કનો મામલો અમ્યુકો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે કારણ કે, તેના કોન્ટ્રાકટ માટે શહેરના વિવિધ કોન્ટ્રાકટરો જોઇએ તેટલો રસ અને ઉત્સાહ જ દાખવતા નથી. જેમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં નવા જાહેર થયેલા ૭૩ પે એન્ડ પાર્કનો પણ સમાવેશ થાય છે, જે પૈકી પ્રથમ તબક્કાના ૨૫ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપીને તેનું સુવ્યવસ્થિત સંચાલન કરવાના મામલે તંત્ર હવે ખરી મુશ્કેલીમાં મુકાયું છે. નવા ૨૫ પે એન્ડ પાર્ક પૈકી માંડ પાંચ પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો છે. જોકે આના કારણે વાહનચાલકો પોતાનાં વાહનોને લગભગ ફ્રી પાર્કિંગ હોઈ કોઈ ચાર્જ અથવા નહીંવત ચાર્જ ચુકવવાના બદલે હાલમાં ફાયદામાં છે. મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા શહેરીજનોને વાહનના પાર્કિંગ માટે વધુ ને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રથમ તબક્કામાં તંત્રના માલિકીના ૨૫ પ્લોટ અલગ તારવી લેવાયા હતા. આ તમામ પે એન્ડ પાર્કમાં થઈને કુલ ૧૩૮૧૭ જેટલા ટુ વ્હિલર અને ફોર વ્હિલર પાર્ક કરવાની તંત્ર દ્વારા ગણતરી રખાઈ હતી. ગત તા. ૩ ઓગસ્ટે આ તમામ પે એન્ડ પાર્કના ટેન્ડર ખૂલી ગયા હતા. જેમાં કોર્પોરેશનના તળિયાના ભાવથી ઊંચામાં ઊંચી લાઇસન્સ ફી ચૂકવનારા કોન્ટ્રાક્ટરને જે તે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ સોંપાવાનો હતો. જોકે આશ્ચર્ય જનક રીતે ફક્ત પાંચ પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરોએ દિલચસ્પી રાખી છે, જેમાં પશ્ચિમ ઝોનના મોટેરા વોર્ડમાં વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ સામેનો પે એન્ડ પાર્ક, સાબરમતી વોર્ડમાં એમ્પોરિયલ મોલની બાજુનો પે એન્ડ પાર્ક અને નવા પશ્ચિમ ઝોનમાં સેટેલાઈટમાં પ્રહ્લાદનગર ગાર્ડન સામેના બે પે એન્ડ પાર્ક અને સોલામાં કારગિલ પેટ્રોલ પમ્પની પાછળના પે એન્ડ પાર્ક માટે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યાં છે. અલબત્ત, આ પાંચેય ટેન્ડરમાં સિંગલ ઓફરદાર આવ્યા છે. કારગિલ પેટ્રોલપંપની પાછળનો પે એન્ડ પાર્કના સિંગલ ઓફરદાર આશીર્વાદ સ્માર્ટ ઈન્ફ્રાલિંક પ્રાઈવેટ લિમિટેડ, પ્રહ્લાદનગર ગાર્ડન સામેના એક પે એન્ડ પાર્ક માટે આશાપુરા લેબર એન્ડ સિક્યોરિટી સર્વિસ તો બીજા પે એન્ડ પાર્ક માટે શ્રી ગુરુદેવ ખાદી સેવા સંઘ અને પશ્ચિમ ઝોનના મોટેરાના પે એન્ડ પાર્ક માટે શ્રી ગુરુદેવ ખાદી સેવા સંઘ અને આ ઝોનના બીજા પે એન્ડ પાર્ક માટે પણ શ્રી ગુરુદેવ ખાદી સેવા સંઘ સિંગલ ઓફરદાર હોઈ તેમને પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે સોંપવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. નવા પે એન્ડ પાર્કના મામલામાં આશ્ચર્યજનક રીતે કેટલાક કોન્ટ્રાક્ટરને તંત્રનો તળિયાનો ભાવ વધારે પડતો લાગ્યો છે એટલે આવા કોન્ટ્રાક્ટરોએ તંત્રના તળિયાના ભાવ કરતાં પણ ઓછા ભાવની ઓફર કરી હોઈ સત્તાવાળાઓને રિટેન્ડર કરવાની ફરજ પડી છે. એક અંદાજ પ્રમાણે મ્યુનિ. તિજોરીને ૨૫ નવા પે એન્ડ પાર્કથી રૂ. એક કરોડની લાઇસન્સ ફીની આવક થવાની હતી, પરંતુ જે રીતે કોન્ટ્રાક્ટરો નિરુત્સાહી છે તેને જોતાં નિર્ધારિત આવકમાં ફટકો પડે તેમ છે. અન્ય ૪૮ નવા પે એન્ડ પાર્ક પૈકી કેટલાક પે એન્ડ પાર્કમાં સત્તાવાળાઓની સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ સ્ટ્રીટ વેન્ડરને જગ્યા ફાળવવી પડશે. આ ૪૮ પે એન્ડ પાર્કમાં કુલ ૨૪,૨૫૫ વાહનને પાર્ક કરવાની તંત્રની ગણતરી હતી. જોકે હવે અમુક પે એન્ડ પાર્કમાં સ્ટ્રીટ વેન્ડરને પણ જગ્યા ફાળવવાની હોઈ આ વાહનોની સંખ્યા પણ આંશિક ઘટાડો થશે.

(10:14 pm IST)