Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મહિલા ડોકટરના ગળામાંથી ચેઇન સ્નેચીંગથી સનસનાટી

કડક કાયદાની વાત પરંતુ ચેઇન સ્નેચરો બેખૌફઃ શાહીબાગની રચના સ્કૂલની ગલીમાં બાઇક ઉપર આવેલા બે શખ્સ મહિલા ડોકટરનું ૪ તોલાનું મંગળસૂત્ર તોડી ગયા

 અમદાવાદ,તા.૧૯: શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર ખુદ ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. એકબાજુ રાજય સરકાર ચેઇન સ્નેચીંગના મુદ્દે કડક કાયદો લાવવાની વાત કરે છે પરંતુ ચેઇન સ્નેચરો બેખૌફ બની ગયા છે. અસારવા ખાતે આવેલ સિવિલ કેમ્પસમાં રહેતી અને મૂળ તામિલનાડુની રાજા રાજેશ્વરીદેવી રાજાશેખરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજા રાજેશ્વરીદેવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાજા રાજેશ્વરી સિવિલ હોસ્પિટલથી પોતાની નોકરી પતાવીને માધુપુરા જિમમાં ગઇ હતી. જિમ પતાવીને તે સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલી સૌરભ સ્કૂલમાં ગરબા શીખવા માટે ગઇ હતી. ગરબા શીખીને રાજા રાજેશ્વરીદેવી પોતાના રૂમ પર એકિટવા લઇને જતી હતી ત્યારે શાહીબાગની રચના સ્કૂલ પાસેની ગલીમાં બાઇક પર આવેલા બે શખ્સો તેના ગળામાંથી ચાર તોલાનું મંગળસૂત્ર ખેંચીને ફરાર થઇ ગયા હતા. રાજા રાજેશ્વરીદેવીએ બૂમાબૂમ કરી હતી, જોકે સૂમસામ રોડ હોવાથી કોઇ રાહદારીએ ચેઇન સ્નેચરોનો પીછો ના કર્યો હતો. મોડી રાતે રાજા રાજેશ્વરીદેવીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. રાજા રાજેશ્વરીદેવીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં થોડી ચકચાર મચી ગઇ હતી, સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં પણ આ બનાવને પગલે ભારે ચર્ચા ચાલી હતી.

(10:13 pm IST)