Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક સાથે નહીં હોય તો પણ નહીં થાય દંડ

હાલમાં ટ્રાફિક પોલીસ જયારે માંગે ત્યારે તમારે મૂળ સ્વરૂપમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે

અમદાવાદ, તા.૧૯: ગુજરાતના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આર.સી. બુક સાથે નહીં હોય તો પણ ટ્રાફિક પોલીસ તમને દંડ નહીં ફટકારે. આ મામલે વાહનવ્યવહાર કમિશ્નરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આગળ જોઈએ ડ્રાઇવિંગ લાયસન્સ અને આર.સી. બુકનો શું છે વિકલ્પ?

વાહનવ્યવહાર કમિશ્નરે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે હવેથી વાહનચાલકો આર.સી. બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની ઓરિજિનલ નકલ સાથે રાખવાને બદલે ડીજી લોકરમાં પણ રાખી શકશે. એટલે કે ડીજી લોકર અથવા એમ પરિવહન એપના પ્લેટફોર્મમાં રાખવામાં કે રજૂ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મૂળ દસ્તાવેજની જેમ માન્યા ગણાશે.

હાલ શું છે નિયમ? હાલમાં ટ્રાફિક પોલીસ જયારે માંગે ત્યારે તમારે મૂળ સ્વરૂપમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે. વાહનચાલક એ રજૂ કરવામાં અસમર્થ રહે તો તેને દંડ ભરવો પડે છે.

શું ફાયદો થશે? વાહનવ્યવહાર કમિશ્નરના પરિપત્ર બાદ તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને તમારા ફોનના ડીજી લોકર કે એમ પરિવહન એપમાં સ્ટોર કરીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસ જયારે માંગે ત્યારે તમે તેને ડીજી લોકરમાં રહેલા ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો બતાવી શકો છે. આવું કરવાથી તમારે દંડની રકમ નહીં ભરવી પડે.

પરિપત્ર પ્રમાણે જો વાહન માલિક કે વાહન હંકારનાર દ્વારા ગુનો આચરવામાં આવે અને દસ્તાવેજ કબજે લેવાની જરૂરિયાત ઉભી થાય તેવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ એજન્સી આ દસ્તાવેજ VAHAN/SARATHI ડેટાબેઝ પરથી ઇલેકટ્રોનિક સ્વરૂપમાં મેળવી શકાશે. આ દસ્તાવેજોને ફિઝિકલ સ્વરૂપમાં સીઝ કરવાની જરૂરિયાત રહેતી નથી.(૨૨.૧૫)

 

(4:03 pm IST)