Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અંબાજીના મહામેળાનો પ્રારંભઃ લાખો ભાવિકો અંબાજીના દર્શને ઉમટયાઃ પગપાળા સંઘોનું આગમન

બોલ માડી અંબે... જય જય અંબેના નાદ સાથે ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી મેળાનો ધમધમાટ

અમદાવાદ,તા.૧૯:  મંગળવાર શક્‍તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી યોજાનારા આ મહામેળા દરમિયાન લાખો ભક્‍તો મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવશે. પગપાળા સંદ્યોનું પણ સોમવારથી જ અંબાજીમાં આગમન શરૃ થઇ ગયું છે. અંબાજી સુધીના તમામ માર્ગો હાલ ‘બોલ માડી અંબે જય જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠયા છે.

ઉલ્લેખનીય છે કે, અંબાજીના મહામેળામાં ગત વર્ષે ૨૬.૭૩ લાખ યાત્રાળુઓએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્‍યતા અનુભવી હતી. ગત વર્ષની સરખામણીએ આ વખતે ૨૮ લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે.  અંબાજી ખાતે મંદિર પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્‍યું છે. મહામેળા દરમિયાન કોઇ અનિચ્‍છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના ૨૨ વિભાગ પાડીને ૬૦૯ પોઇન્‍ટ્‍સ મૂકાયા છે તેમજ ૧૫૦ રૂટ પર પેટ્રોલિંગની વ્‍યવસ્‍થા કરાઇ છે. અંબાજીમાં ૨૭ વોચ ટાવર, ૭ કન્‍ટ્રોલરૃમ,  ઘોડેસવાર,  પેટ્રોલિંગ-ડોગ સ્‍ક્‍વોડ, બોમ્‍બ ડિસ્‍પોઝેબલ સ્‍ક્‍વોડ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્‍યા છે.

આ મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં ૨૪ કલાકમાં કોઇ પણ સ્‍થાનેથી નીહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્‍તારોમાં ૧૨ એલઇડી, ૩૦ ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્‍યું છે. જેમાં અમદાવાદમાંથી છેલ્લા ૧૭૯ વર્ષથી નીકળતા લાલ દંડાવાળા પગપળા સંઘે મહેસાણા વટાવ્‍યું છે. સ્‍વાઇન ફ્‌લૂ ધીરે-ધીરે માથું ઉંચકી રહ્યો છે. જેના પગલે પગપાળા સંદ્યના કેમ્‍પ તેમજ અંબાજીમાં પણ સ્‍વચ્‍છતાની પૂરતી તકેદારી પણ રાખવામાં આવી છે.

 

અંબાજીનો મહામેળો : એક નજર

* સલામતીના ભાગરૂપે ૧૫૦ રૂટ પર પેટ્રોલિંગની વ્‍યવસ્‍થા, ૨૭ વોચ ટાવર, ૭ કન્‍ટ્રોલરૂમ, ઘોડેસવાર-ડોગ સ્‍ક્‍વોડ-બોમ્‍બ સ્‍ક્‍વોડ ખડેપગે તૈનાત રહેશે.

* સમગ્ર અંબાજીમાં ૧૧૮ સીસીટીવી કેમેરા મૂકાયા.

 * આરોગ્‍ય વિભાગ દ્વારા ૩૦ સારવાર કેન્‍દ્રો ઉભા કરાયા, જેમાં ૧૮૫ જેટલા કર્મચારી તૈનાત.

* યાત્રાળુઓના વિશ્રામ માટે ૯૬ શેડ, વોટર પ્રુફ મંડપ તૈયાર કરાયા.

*૧૨ એલઇડી, ૩૦ ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે.

*૧ ડઝન જેટલા સ્‍થળોએ યાત્રાળુઓ માટે વાહન પાર્કિંગની વ્‍યવસ્‍થા.

 

ભાદરવી પૂનમ વખતે  દર્શનનો સમય

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા એટલે કે ૧૯ થી ૨૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન દર્શન-આરતીનો સમય આ મુજબ રહેશે.

આરતી સવારે : ૬:૧૫ થી ૬:૪૫, દર્શન સવારે : ૬:૪૫થી ૧૧:૩૦, રાજભોગ : બપોરે ૧૨ :૦૦, દર્શન બપોરે : ૧૨:૩૦ થી ૫:૦૦, આરતી સાંજે : ૭ :૦૦ થી ૭:૩૦, સાંજે દર્શન : ૭:૩૦ થી રાત્રે ૧:૩૦.

 

અંબાજીના મહામેળામાં ગત વર્ષે ૨૬ લાખ યાત્રાળુ હતા

કુલ યાત્રાળુઓ : ૨૬,૭૩, ૪૯૨ વિવિધ બેંકોની આવક : રૃ. ૨,૪૧,૧૯,૪૬૯, કુલ આવક : રૃ. ૪,૨૪, ૬૫,૯૫૩, સોનાની આવક : ૧૦૪૩.૧૯૦ ગ્રામ, ધજારોહણ : ૫૧૫૧

(12:54 pm IST)