Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાતમાં ચાલુ વર્ષે થશે ૨૬.૯૫ લાખ ટન મગફળીનું ઉત્‍પાદનઃ કપાસનું ઉત્‍પાદન ઘટશે

ગુજરાત સરકારે ચાલુ ખરીફ સીઝનનો પહેલો આગોતરો અંદાજ જાહેર કર્યો

નવી દિલ્‍હી તા ૧૯ : ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની આશરે ૨૩ ટકા જેટલી ખાધની  મોટી અસર ખરીફ પાકોના ઉત્‍પાદન ઉપર પણ પડી  છે. ગુજરાત સરકારે તાજેતરમાં ચાલુ ખરીફ સીઝનનો પહેલો આગોતરો ઉત્‍પાદનનો અંદાજ જાહેર કર્યો હતો, જે મુજબ રાજયમાં મોટા ભાગના પાકોનું ઁ ઉત્‍પાદન ઘટવાનો અંદાજ છે.

ગુજરાત સરકારના અંદાજો પ્રમાણે રાજયમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્‍પાદન ૨૬.૯૫ લાખ ટન થવાનો અંદાજ  છે. જોકે ગત વર્ષનો સરકારી અંદાજ ખુબ જ ઊંચો હોવાથી એની તુલનાઓ ઉત્‍પાદનમાં ૩૦ ટકાનો  ઘટાડો થશે. ગત વર્ષ સરકારે ૩૮.૪૩ લાખ ટનનો અંદાજ મૂકયો હતો. જોકે વેપારી અંદાજો ૩૦ લાખ ટનથી વધારે નહોતા અને ચાલુ વર્ષે ૨૫ લાખ ટનથી નીચેના અંદાજો આવી રહયા છે.

ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન ચાલુ વર્ષે ૮૮.૨૮ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ર્ષે ૧૦૧લાખ ગાંસડી થયું હતું આમ ઉત્‍પાદનમાં ૧૩ ટકાનો ઘટાડો જોવા મળશે. સરકાર દ્વારા મુકવામાં આવેલા આ અંદાજો ઘણા વહેલા હોવાથી અને પાછોતરો વરસાદ ન પડયો હોવાથી સરેરાશ કપાસનો ખરેખર પાક ખૂબજ નીચો આવે એવી સંભાવના વેપારીઓ વ્‍યકત કરી રહ્યા છે.

અરંડાના અંદાજો બજારમાં ચર્ચાસ્‍પદ રહ્યા છે. સરકારી અંદાજો પ્રમાણે રાજયમાં ચાલુ વર્ષે એરંડાનો પાક ૨૧ ટકા ઘટીને ૧૧.૩૩ લાખ ટન રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૧૪.૮૪ લાખ ટન થયું હતું જોકે ગુજરાતમાં એરડાના વાવતેર વિસ્‍તારમાં માત્ર ૧૩ ટકા નો જ ઘટાડો થયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એરંડાનો પાક ૧૦ લાખ ટનથી પણ ઓછો આવે એવી ચર્ચા બજારમાં ચાલી રહી છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મુખ્‍ય પાકોમાં માત્ર ડાંગરના ઉત્‍પાદનમાં ચાર ટકાનો વધારો થઇને ૧૯.૩૮ લાખ ટન થવાનો અંદાજ છે. એ સિવાય તમામ પાકોનું ઉત્‍પાદન ઘટવાનો અંદાજ છે. ગુજરાત સરકાર દ્વારા પાછોતરા વરસાદના અભાવે નર્મદાનું પાણી અમુક વિસ્‍તારમાં આપવાનું શરૂ કરાયું છે, પરંતુ એની બહુ મોટી અસર નહીં દેખાય

(11:06 am IST)