Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમદાવાદમાં પીરાણાના કચરાના દુર્ગંધની અસર ૩ થી ૪ કિ.મી. વિસ્‍તારને પાર કરીને સેટેલાઇટ સુધી અનુભવાઇ

અમદાવાદ: શહેર માટે માથાનો દુ:ખાવો બનેલા પીરાણાના કચરાના ડુંગરની અસર હવે છેક સેટેલાઈટ વિસ્તાર સુધી અનુભવાઈ રહી છે. આ ડુંગરની આસપાસના 3-4 કિલોમીટરના વિસ્તારમાં અત્યાર સુધી તેમાંથી ઉદ્દભવતા ગેસને કારણે એસી લીક થઈ જતા હોવાની ફરિયાદો તો હતી જ, પણ હવે સેટેલાઈટ વિસ્તારમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

એસી રિપેર કરતા ટેકનિશિયનોના જણાવ્યા અનુસાર, પીરાણા ડમ્પ સાઈટની ત્રણ-ચાર કિલોમીટરના વિસ્તારમાં એસીમાં જેવી સમસ્યા થઈ રહી છે, તેવું હવે સેટેલાઈટમાં પણ થાય છે. પીરાણામાંથી ઉત્પન્ન થતાં ઝેરી ગેસને કારણે હવે સેટેલાઈટમાં પણ એસીની કોઈલ લીક થઈ રહી છે.

વાસણામાં એસી રીપેરિંગનું કામ કરતા હિરેન ઠક્કરના જણાવ્યા અનુસાર, પીરાણામાં કચરો સળગાવવાના કારણે ઉત્પન્ન થતો ઝેરી ગેસ ભેજવાળી હવામાં ભળી જાય છે, અને એસીની કોપર પાઈપમાં તે સફેદ મટિરિયલ તરીકે જામી જાય છે. સમય જતાં તેને કારણે તેમાં લીકેજ થાય છે, અને તેમાંથી ગેસ બહાર નીકળી જવાના કારણે એસી કુલિંગ નથી આપતું.

હિરેન ઠક્કરના વાસણાથી સેટેલાઈટ વિસ્તારમાં 3200 જેટલા ક્લાયન્ટ્સ છે. તેમનું કહેવું છે કે, પહેલા આવી સમસ્યા વાસણા, જુહાપુરા અને પાલડી વિસ્તારમાં જ જોવા મળતી હતી. જોકે, હવે સેટેલાઈટમાં પણ આવી ફરિયાદો હવે સામાન્ય બની રહી છે. સેટેલાઈટ ઉપરાંત, ધરણીધર જેવા વિસ્તારમાં પણ હવે એસીની પાઈપ લીક થવાની ફરિયાદો સામે આવવા લાગી છે.

આ વિસ્તારના લોકોની ફરિયાદ છે કે, એસીની પાઈપ લીક થવાના કારણે તેમને દર આઠેક મહિને ત્રણ થી ચાર હજાર રુપિયા રિપેરિંગનો ખર્ચો કરવો પડે છે. એસી રીપેરનું કામ કરતા આરિફ શેખનું કહેવું છે કે, લોકોને હવે એસીમાં ગેસ પૂરાવવા માટે પણ અઢી થી ચાર હજારનો ખર્ચો કરવો પડે છે, પહેલા આ ખર્ચો માંડ હજારેક રુપિયા જ હતો.

પીરાણા ડમ્પ સાઈટને કારણે થઈ રહેલી આ સમસ્યામાં સૌથી મોટી વાત એ છે કે, એક પંકચર રીપેર કરો તેના પંદરેક દિવસમાં જ પાઈપમાં બીજું પંકચર થઈ જાય છે. આરિફ શેખના જણાવ્યા અનુસાર, તેમને એસી રીપેરના રોજના 100 કોલ્સ આવે છે, જેમાંથી 30 તો પાઈપમાં પંકચરને લગતા જ હોય છે. વળી, આવી ફરિયાદોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

જુહાપુરામાં રહેતા મોહમ્મદ અમીર ચુનાવાલાના જણાવ્યા અનુસાર, તેમણે ત્રણ વર્ષ પહેલા જ નવું એસી ખરીદ્યું હતું, જોકે આટલા સમયમાં તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ, કે હવે તે રીપેર થઈ શકે તેમ નથી. પાલડીમાં રહેતા સિદ્ધાર્થ શાહ જણાવે છે કે, તેમને પહેલા એમ હતું કે ભેજવાળી હવા અને નદીને કારણે તેમનું એસી વારંવાર બગડી રહ્યું છે, જોકે પછી ટેકનિશિયને તેમને કહ્યું હતું કે, પીરાણામાંથી આવતા ઝેરી ગેસને કારણે આ થઈ રહ્યું છે.

(5:17 pm IST)