Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

નિકોલ ખાતે ટાંકીનો સ્લેબ ધરાશયી : છને ગંભીર ઇજા

કાટમાળમાં ફસાયેલા ૧૦ પૈકી આઠને બચાવાયા : નિર્માણ હેઠળ રહેલ અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ એકાએક કડડભૂસ : બધા ઇજાગ્રસ્તો સિવિલમાં ખસેડાયા

અમદાવાદ, તા.૧૯ બોપલમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશયી થઇ થવાની ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં ભોજલધામ પાસે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થતા ૧૦ જેટલા મજૂરો દટાયા હતા. આ દુર્ઘટનામાં છથી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ જેટલા મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈ મૃત્યુઆંક નહી નોંધાતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. ફાયરબ્રિગેડના જવાનો અને અમ્યુકો તંત્રની ટીમો દ્વારા મોડી સાંજ સુધી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી હતી.

      નિકોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગ દ્વારા નિકોલમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું. જે રીતે અન્ડર કન્સ્ટ્રક્શન ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો અને ધાબા પર કામ કરી રહેલા મજૂરો સીધા બેઝમેન્ટના ભાગમાં પડ્યા તેનાથી આ કામગીરીની ગુણવત્તા વિશે ઘણા સવાલો ઉઠ્યા છે. એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ ટાંકીના પાયાના સ્લેબમાં ઘણા સમય પહેલાં તિરાડો પડી ગઈ હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ અંગે મ્યુનિ.માં ફરિયાદો કરી હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. આ દુર્ઘટના બની અને અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ કડડભૂસ કરતો તૂટી પડ્યો ત્યારે મોટો અવાજ થયો હતો. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બેઝમેન્ટના ભાગમાં પડી ગયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની રાહ જોયા વિના જ દોરડા લટકાવી અંદર પડેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કારણે ત્વરિત બચાવ કામગીરી શરૂ થઈ જતાં જ આટલી મોટી દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ નહી થઇ હોવાનું મનાઇ રહ્યું છે.

     જો કે, બેથી ત્રણ મજૂરો નીચે બેઝમેન્ટના ભાગમાં કાટમાળમાં દટાયા હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના નેજા હેઠળ આ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. આમ છતાં આ ટાંકીના બાંધકામ દરમિયાન મજૂરોની સુરક્ષા માટે લેવા જરૂરી પગલાંનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. જે મજૂરો ટાંકીના છતની ઉપરના ભાગમાં કામ કરી રહ્યા હતા તેમને હેલ્મેટ કે સુરક્ષાના અન્ય કોઈ સાધનો કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યા નહોતા. એટલું જ નહીં, મોટાભાગના મજૂરોના પગમાં પણ પગરખાં નહોતા. આમ મ્યુનિ.ના જ બાંધકામની કામગીરીમાં મજૂરોની સુરક્ષા માટેના પગલાં સંબંધે ઘોર બેદરકારી જોવા મળી હતી.

(9:01 pm IST)