Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ચેકપોસ્ટ પર બુલેટપ્રુફ જેકેટો સાથે જવાનોને તૈનાત કરવા સાથે એસઆરપીના ચુનંદા સ્ટાફને મદદે મોકલાતા શકમંદ આતંકીઓ પ્રવેશ્યાની આશંકા ?

રતનપુર ચેકપોસ્ટથી લઈ રાજકોટના રેસકોર્ષ સુધી પોલીસ ચેકીંગનો ભારે ધમધમાટઃ જો કે બોર્ડર રેન્જ વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને બનાસકાંઠાના એસપી પ્રદીપ શૈજુલ વિગેરે અધિકારીઓ પુલવામા-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી લેવાયા બાદ તહેવારોને કારણે લોકોની સુરક્ષા માટે કવાયત ચાલી રહ્યાનું જણાવી રહ્યા છે

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન બોર્ડરને સ્પર્શતા રતનપર ચેકપોસ્ટથી લઈ રાજકોટના રેસકોર્ષ સુધી સતત પોલીસ કાફલા દ્વારા ચેકીંગનો ધમધમાટ શરૂ થયો છે. રેસકોર્ષમાં બહુમાળી સામેના દરવાજામાં પ્રવેશતા ટુવ્હીલરો અને ફોરવ્હીલરોના ચેકીંગ કરવા સાથે તમામ વાહનોના નંબરોની નોંધ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ- જોઈન્ટ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી અને ડીસીપી મનોહરસિંહ જાડેજાના આદેશથી થઈ રહ્યાનું બહાર આવ્યુ છે. ચેકીંગની આ કાર્યવાહીની વિશેષતા એ છે કે સરહદી જિલ્લા બનાસકાંઠાના અમીરપુર ચેકપોસ્ટથી લઈ કચ્છમાં ઠેર-ઠેર આ ચેકીંગ નાકાબંધી સઘન રીતે ચાલી રહી છે. સત્તાવાર રીતે તો સત્તવાળાઓ આ બાબતને પુલવામા તથા કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ માહોલ જે રીતે તંગ થયો છે અને શ્રાવણ માસના ધાર્મિક તહેવારોને લઈ લોકો દર્શનાર્થે અંબાજી-દ્વારકા-સોમનાથ વિગેરે સ્થળે ઉમટી પડવાના હોવાથી આ કાર્યવાહી ચૂસ્ત રીતે ચલાવાઈ રહ્યાનું રાજ્યના બોર્ડર વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને બનાસકાંઠાના એસપી પ્રદીપ શૈજુલ જણાવી રહ્યા છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશથી રાજ્યભરમાં શરૂ થયેલ આ ચેકીંગમાં પ્રથમ વખત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસને બુલેટપ્રુફ જેકેટ ફાળવવામાં આવ્યા છે. વાત અહીંથી જ અટકતી નથી. સરહદી ચેકપોસ્ટ પર સ્થાનિક જવાનો ઉપરાંત એસઆરપીના ચુનંદા જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ થાય કે ગુજરાતમાં શંકાસ્પદ આતંકવાદી ઘુસ્યાની કેન્દ્ર તરફથી ઈનપુટ મળી હોવી જોઈએ. જો કે સત્તાવાર રીતે આતંકવાદી ઘુસ્યાની ઈનપુટ બાબતે ઉચ્ચ સત્તાવાળાઓ મૌન સેવી રહ્યા છે.

જૂનાગઢના રેન્જ વડા સુભાષ ત્રિવેદી દ્વારા પણ પોતાની રેન્જ હેઠળના જૂનાગઢ, ગીર સોમનાથ અને ખાસ કરીને સોમનાથ મંદિરની સમીક્ષાઓ કરવા સાથે પોલીસને સાબદી કરી દીધી છે. વાહનોના ચેકીંગ પણ ચાલી રહ્યા છે. રાજકોટના રેન્જ વડા સંદીપસિંહ દ્વારા પણ પોતાના વિસ્તારના દરીયાકાંઠાના ગામો અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થાનકોની સુરક્ષા બેવડાવવા માટે સંબંધક એસપીઓને તાકીદ કર્યાનું પણ બહાર આવેલ છે.

દરમિયાન સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લાખો લોકો દર્શનાર્થે આવનાર હોવાથી આ બાબત પણ ધ્યાને રાખી પોલીસે શામળાજીમાં પ્રવેશતા માર્ગો ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આમ રાજ્યભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશતી ચેકપોસ્ટ પર બુલેટપ્રુફ જેકેટ સાથેના જવાનો અને એસઆરપીના ચુનંદા જવાનોને ચેકપોસ્ટ પર સ્થાનિક પોલીસ સાથે મુકાતા કંઈક રંધાઈ રહ્યાની 'બુ' જાણકાર પોલીસ અધિકારીઓને તથા લોકોને આવી રહી છે.

(1:29 pm IST)