Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગુજરાતમાં પ્રતિ ૧૦૦૦ પુરૂષે ૯૧૯ મહિલાઓ

૧૯૫૧માં પ્રતિ ૧૦૦૦ પુરૂષે ૯૫૨ સ્ત્રીઓ હતીઃ આઝાદી પછી સૌથી ખરાબ જાતીદરમાં ગુજરાતનો સમાવેશ

નવી દિલ્હી, તા.૧૯: વસ્તિગણતરીમાં જાતિ દર મામલે ગુજરાતની સ્થિતિ આટલી બદતર કયારેય જોવા મળી નહોતી જેટલી છેલ્લી વસ્તિ ગણતરી ૨૦૧૧ દરમિયાન જોવા મળી. દેશમાં આઝાદી બાદ સૌથી પહેલી વસ્તિ ગણતરી ૧૯૫૧માં કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૫૨ સ્ત્રીઓ હતી જેની સામે ૨૦૧૧માં આ આંકડો ૩.૪૬્રુ જેટલો નીચે સરકીને હાલ ગુજરાતમાં પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલાઓ થઈ ગયો છે.

ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ જાતિદર અંગે સૌથી ખરાબ સ્થિતિ બાળકોના જાતિદરમાં જોવા મલી રહી છે. જેમાં ૦-૬ વર્ષના બાળકોમાં પ્રતિ ૧૦૦૦ છોકરાએ ૮૯૦ છોકરી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના અહેવાલ 'વર્ષ અનુસાર, રાજય અનુસાર જાતિદર'જેમાં ભારતની આઝાદી બાદની વસ્તિ ગણતરીના આધારે કયા રાજયોમાં પુરુષ અને સ્ત્રીના જાતિદરની વિષમતા જોવા મળી છે તેનો અહેવાલ છે. જેમાં ત્રણ જ રાજયો એવા છે જયાં વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન સરેરાશ સેકસ રેશિયો ખરાબ રહ્યો હોય. આ ત્રણ પૈકી બીજા બે રાજયો બિહાર અને જમ્મુ કાશ્મીર છે.

૨૦૦૧ની સરખામણીએ જોવામાં આવે તો ગુજરાતમાં ૨૦૧૧માં જાતિદરમાં ૦.૦૮%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જયારે બિહારમાં ૦.૧૨% અને જમ્મુ કાશ્મીરમાં ૦.૩૯% જોવા મળ્યો છે. ગુજરાતમાં ઓવરલઓલ સ્ત્રી-પુરુષ જાતિદર ખાસ કરીને ૧૯૯૨ પછી સડસડાટ નીચે જઈ રહ્યો છે.

રાષ્ટ્રિય સ્તરના અહેવાલ મુજબ સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સ્ત્રી પુરુષ જાતિદરમાં વધારો થયો છે. ૨૦૦૧માં પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૪૫ મહિલાની સરખામણીએ ૨૦૧૧માં પ્રતિ ૧૦૦૦ પુરુષે ૯૪૭ મહિલા નોંધવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું કે ગુજરાતમાં જોવા મળતી જાતિદર વિષમતા સીધી જ ગર્લ ચાઇલ્ડના જન્મદર સાથે સંકાળાયેલ છે. જેથી રાજય સરકારે અને અન્ય સામાજીક સંસ્થાઓએ સમાજમાં જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમો નિરંતર કરતા રહેવાની જરુર છે.

(1:06 pm IST)