Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

તારીખ પે તારીખ

ગુજરાતની વિવિધ અદાલતોમાં ૧૮ લાખથી વધુ કેસો પેન્ડીંગઃ ૩૧૫૯ કેસ ૧૫ વર્ષથી પડતર

નવી દિલ્હી,તા.૧૯: રાજયસભામાં તાજેતરમાં કેન્દ્રિય કાયદા મંત્રીએ એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતની અદાલતોમાં હાલ ૧૮ લાખથી વધારે કેસ પેન્ડીંગ પડ્યા છે. ગુજરાતમાંથી રાજયસભાના સદસ્ય નારણ રાઠવાએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારે ઉપલબ્ધ કરાવેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ૧,૨૩,૪૭૮ કેસ પેન્ડીંગ પડ્યા છે, જેમાંથી ૩,૧૫૯ કેસો પાછલા ૧૫ વર્ષથી પેન્ડીંગ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

આ જ પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે, પાછલા ૪ વર્ષો દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં ૯ જજોની નિમણૂંક કરાઈ છે. સરકાર પેન્ડીંગ કેસો દ્યટાડવા માટે કટિબદ્ઘ છે તેમ જણાવતા કાયદા મંત્રીએ ઉમેર્યું કે, કેસનો સમયસર ખતમ થવા પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં પૂરતી સંખ્યામાં જજની ઉપલબ્ધતા, સપોર્ટિંગ કોર્ટ સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રકચર શામેલ છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં કાયદામંત્રીએ રાજયસભામાં જણાવ્યું કે, ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં ૧૬,૯૭,૮૩૦ કેસો પેન્ડીંગ છે. જેમાંથી ૪,૪૫,૬૪૩ ફોજદારીના અને ૧૨,૫૨,૧૮૭ ક્રિમિનલ કેસો છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ યતિન ઓઝાએ કહ્યું, મારા માટે પેન્ડીંગ કેસોની આ સંખ્યા ચેતવણી રૂપ છે. આ માટે નાના ગુનાના કેસોનો ઝડપથી નિકાલ કરવા તેને જલદી સુનાવણીમાં મૂકવાની કોઈ સિસ્ટમ હોવી જોઈએ. હું માનું છું કે તેનાથી પેન્ડીંગ કેસોની સંખ્યામાં ઝડપથી દ્યટાડો થશે.

(11:46 am IST)