Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અમદાવાદ શહેરના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ

ચાંદલોડિયા, બોપલ, ઘુમા, સોલામાં વરસાદ : શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જ્યારે ઘણા ભાગોમાં વરસાદમાં બ્રેક : ઝાપટા જારી રહેવાની તંત્ર દ્વારા આગાહી

અમદાવાદ, તા. ૧૮ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં મોડી સાંજે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદ શહેરના ચાંદલોડિયા, બોપલ, ઘુમા, ચેઇનપુર, સાયન્સ સિટી અને સોલા વિસ્તારમાં જોરદાર વરસાદ થયો હતો. જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો ન હતો. અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ જ્યારે ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. એએમસીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, આજે બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગુજરાતમાં સિઝનમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઇ ચુક્યો છે.

     લોંગ ટર્મ આધાર પર ૧૭મી જાન્યુઆરી સુધી સરેરાશ વરસાદને ધ્યાનમાં લેવામાં આવે તો વધારે વરસાદ થયો છે. ૧૭મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ૮૭.૯૧ ટકા સુધી વરસાદ નોંધાઈ ચુક્યો છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં પણ મોનસુનની વર્તમાન સિઝનમાં અનેક વખત ધોધમાર વરસાદ થયો છે. એક સપ્તાહ સુધી બ્રેકની સ્થિતિ રહ્યા બાદ ગઇકાલે મોડી રાત્રે પણ જુદા જુદા વિસ્તારમાં વરસાદ તુટી પડ્યો હતો જેમાં બોડકદેવ, ચાંદખેડામાં આઠ વાગ્યાથી ૧૦ વાગ્યા વચ્ચેના ગાળામાં વરસાદ થયો હતો. આજ ગાળામાં શહેરના પૂર્વીય વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું છે જેમાં વરસાદી ઝાપટાઓની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યુ રાણીપ વિસ્તારમાં પણ રવિવારે મોડી સાંજે વરસાદ થયો હતો જેથી રસ્તા પર પાણી આવી ગયા હતા. બીજી બાજુ વિજય ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રવિવારના દિવસે વરસાદમાં બ્રેકની સ્થિતિ જોવા મળી હતી.

(9:54 pm IST)