Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન લીધે હિરા વેપાર પર અસર

સુરતથી મોકલવામાં આવેલા પાર્સલ અટવાયા : સુરત કારોબારીઓમાં હોંગકોંગમાં દેખાવોથી ચિંતાનું મોજુ

અમદાવાદ, તા. ૧૮ : હોંગકોંગમાં ચાલી રહેલા જોરદાર વિરોધ પ્રદર્શનના કારણે એરપોર્ટને બંધ રાખવાની ફરજ પડી છે જેના પરિણામ સ્વરુપે ગુજરાતના હિરા કારોબાર ઉપર સીધી અસર થઇ છે. ખાસ કરીને સુરતના હિરા કારોબાર ઉપર તેની અસર જોવા મળી રહી છે. સુરતથી હોંગકોંગ મોકલવામાં આવેલા કરોડો રૂપિયાના હિરાના પાર્સલો હાલમાં મુંબઈ એરપોર્ટ ઉપર જ રોકી દેવામાં આવ્યા છે. હિરા ઉદ્યોગના સુત્રોના કહેવા મુજબ સુરતથી હોંગકોંગ માટે દર વર્ષે પાંચ અબજ ડોલરથી વધુના હિરાના કારોબાર થાય છે. ત્યાં પાતલા કદના હિરા મોકલવામાં આવે છે.

      હોંગકોંગમાં હાલના દિવસોમાં ત્યાંના સ્થાનિક લોકોના શાસન સામે જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. શાસનની સામે જારી રહેલા આંદોલનથી સાવચેતીના પગલારુપે એરપોર્ટને બંધ કરવાની ફરજ પડી છે. ગયા સપ્તાહમાં હોંગકોંગ વિમાની મથક ઉપર ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. પોલીસને દેખાવકારો ઉપર મરચાના સ્પ્રેનો મારો ચલાવવાની ફરજ પડી હતી. કોઇપણ અપરાધમાં સામેલ વ્યક્તિને ચીન મોકલી દેવાને લઇને સંબંધિત બિલ મામલે સ્થાનિક લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. દુનિયાના સૌથી વ્યસ્ત રહેતા હોંગકોંગ વિમાની મથક બંધ થઇ જવાથી દુનિયાના અનેક દેશોના યાત્રીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો દેખાવકારોને વિમાની મથક સંકુલમાં પ્રવેશથી રોકવામાં આવી રહ્યા છે.

     દેખાવકારો અને યાત્રીઓ વચ્ચે ઝપાઝપીના બનાવો પણ બની રહ્યા છે. સોમવારના દિવસે ગયા સપ્તાહમાં હજારો લોકો વિમાની મથક સંકુલમાં ઘુસી જતાં તમામ ફ્લાઇટોને રદ કરવાની ફરજ પડી હતી. સુરતથી હોંગકોંગ મોકલવામાં આવેલા કરોડોના હિરાના પાર્સલ મુંબઈમાં મુકવામાં આવ્યા છે. હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી ચોક્કસપણે કારોબાર ઉપર અસર થઇ છે.

(9:35 pm IST)