Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

૨૫મીએ ધરપકડ કરાશે તો, સ્થિત બગડશે : હાર્દિક પટેલ

આંદોલન પૂર્વે હાર્દિક પટેલની ખુલ્લેઆમ ધમકી : હાર્દિકની ધરપકડ કરી નબળાઈ છતી કરાઈ : બાંભણિયા

અમદાવાદ, તા.૧૯ : પાસ કન્વીનર હાર્દિક પટેલ ૨૫મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. આ દરમિયાન હાર્દિકે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો ૨૫ ઓગસ્ટના રોજ અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકવામાં આવશે તો અમદાવાદ,સુરત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે ! હાર્દિકે ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન મળવાને લઈ જણાવ્યું કે, તા.૨૫મી ઓગસ્ટ માટે અમને કેમ પરમીશન નથી આપતા? પોલીસ અમને ખોટી રીતે હેરાન કરી રહી છે. મારા ઘર આગળ પાછળ ૨૦૦ થી વધારે પોલીસનો કાફલો મૂકી દેવાયો છે. અમે ખેડૂતોની માંગણીઓ અને પાટીદાર સમાજ માટે આરક્ષણની માંગ કરી રહ્યા છીએ અને અમે બંધારણીય રીતે ઉપવાસ કરવા માંગીએ છીએ. હાર્દિકે આજની ધરપકડ અંગે વધુમાં કહ્યું કે, જો આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ માટે ગુજરાતભરમાં ધરપકડ થઈ હોય તો શું તા.૨૫ ઓગસ્ટ માટે બસોની બસો ભરીને આવતા ટેકેદારોની ધરપકડ કરશે આ સરકાર? જો અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકાશે તો અમદાવાદ, સુરત જેવા સેન્સીસીટીવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે! દરમ્યાન પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, આજે પાટીદાર સમાજની અનામતની માંગણીને લઈ ઉપવાસની જાહેરાત બાદ ગ્રાઉન્ડ ફાળવણી મુદ્દે આંદોલનકારીઓની ધરપકડ કરતા પહેલા પોલીસ તંત્ર ૧૦૦ વાર વિચારે, હાર્દિકની ધરપકડ કરીને સરકાર પોતાની નબળાઈ છતી કરી રહી છે,એ જ પાટીદારોની જીત છે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

(7:22 pm IST)