Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

મહિસાગર જિલ્‍લાના લુણાવાડામાં પોલીસ ફાયરિંગમાં હિસ્ટ્રીશીટર સાજિદ હનિફનું મોત: પોલીસ પર હુમલાની કોશિષ કરતા ફાયરીંગમાં મોત

વડોદરા: શનિવારે મહિસાગર જિલ્લાના લુણાવાડાના વ્હોરવાડમાં હિસ્ટ્રીશીટર સાજિદ હનિફ ઉર્ફે રબડીને પોલીસે ગોળી મારી છે. પોલીસનો દાવો છે કે, સાજિદે એક મહિલાને બંધક બનાવી અને પોલીસ પર હુમલો કરતાં ગોળી ચલાવવાની ફરજ પડી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસથી બચવા માટે સાજિદ લુણાવાડાના વ્હોરવાડ વિસ્તારમાં આવ્યો હતો. સાજિદ પાસે તલવાર હતી જેનાથી તે સ્થાનિકોને ડરાવી રહ્યો હતો. સાજિદ વિવિધ ગુનાઓ હેઠળ જેલમાં હતો અને તાજેતરમાં પેરોલ પર છૂટ્યો હતો.

મહિસાગરના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ઉષા રાડાએ જણાવ્યું કે, “સાજિદે એક મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ પોલીસ પર પણ હુમલો કરતાં પોલીસને ગોળી ચલાવવાની ફરજ પડી હતી. સાજિદ સાથેની ઝપાઝપીમાં 4 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકીના કોન્સ્ટેબલ પુષ્પક ચૌહાણને પગમાં ઈજા થતાં તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા. ત્યાંથી તેમને વડોદરાના SSG હોસ્પિટલમાં રેફર કરાયા છે.”

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ઉષા રાડાએ જણાવ્યું કે, “સાજિદે એક મહિલાની હત્યા કરવાની ધમકી આપતાં તેના પર ગોળી ચલાવવા સિવાય પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મહિલાને બચાવવા અને ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીઓને બચાવવા માટે સાજિદ પર ગોળી ચલાવવામાં આવી. ગોળી વાગતાં જ સાજિદનું મોત થયું. લુણાવાડા પોલીસના સબ-ઈન્સ્પેક્ટર એ.આર.કરેણે સાજિદ પર ગોળી ચલાવી.”

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, સાજિદ તલવાર અને અન્ય હથિયારો બતાવીને લોકોને ડરાવતો હતો. PASA (પ્રીવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ પણ અગાઉ સાજિદની અટકાયત કરાઈ હતી. સાજિદ પર ગોળી ચલાવવાની ઘટનાથી લુણાવાડામાં ચિંતા અને ભયનો માહોલ પેદા થયો છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા લુણાવાડા સરકારી હોસ્પિટલની બહાર ધસી આવ્યા હતા. અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસે લોકોના ટોળાને વિખેર્યું હતું.

(12:36 pm IST)