Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

મંજૂરી નહીં મળતાં હાર્દિકના એક દિવસના પ્રતિક ઉપવાસ

નિકોલમાં ગાડીમાં બેસીને જ પ્રતિક ઉપવાસ કરશેઃ હાર્દિક અને તેના ૫૦૧ કાર્યકરો-સમર્થકો કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ કરશે : વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પશે

અમદાવાદ, તા.૧૮: હાર્દિક પટેલે નિકોલમાં આગામી તા.૨૫ ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે સરકારી તંત્ર દ્વારા જગ્યાની મંજૂરી નહી અપાતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને એક દિવસના ઉપવાસ કરવાની નવી જાહેરાત કરી છે, જેને પગલે શહેર પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે. હાર્દિક પટેલ તરફથી આવતીકાલના નિકોલ ખાતે ગાડીમાં જ બેસીને એક દિવસના પ્રતિક ઉપવાસની પોલીસ પાસેથી પણ મંજૂરી મંગાઇ નહી હોઇ તેને આમ કરવાથી રોકવાની ઉચ્ચ અધિકારીઓને તંત્ર દ્વારા સૂચના અપાઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.  પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને તેના ૫૦૧ જેટલા સમર્થકો-કાર્યકરો દ્વારા આવતીકાલે નિકોલ ખાતે જ ગાડીમાં બેસીને જ એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવતાં હાર્દિકના તા.૨૫મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન પહેલાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. તંત્રને એલર્ટ કરી દેવાયું છે, ખાસ કરીને પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરી દેવાઇ છે. આ મામલે પોલીસ દ્વારા અત્યારથી જ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આવતીકાલે તા.૧૯ ઓગસ્ટના રોજ આંદોલન સ્થળે જતાં હાર્દિક પટેલ સહિત તમામ કાર્યકરોને અટકાવવામાં આવશે અને કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ આપવામાં આવ્યો છે. દરમ્યાન હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, પાર્કિંગ પ્લોટમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉન્ડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસના પ્રતિક ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના ૫૦૧ કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરવાથી અમને કોઈ રોકી નહિ શકે અને ત્યાંથી હટાવી પણ નહીં શકે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, આવતીકાલે નિકોલ ગ્રાઉન્ડમાં બનાવેલા પાર્કિંગમાં ગાડીમાં જ બેસીને તેઓ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે અને સરકારે જાહેર કરેલા રાષ્ટ્રીય શોકને સમર્થન આપશે. તે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવતો હોવાથી સરકારે તેને નિકોલ ગ્રાઉન્ડમાં ઉપવાસ કરવાની મંજૂરી આપી નથી, પરંતુ તે ન્યાયની લડત માટે મક્કમ છે.

(9:19 pm IST)