Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતના કોઝ વેની સપાટી છ મીટરે પહોંચી : અવરજવર બંધ કરાઈ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝ વે ખાતે તાપી નદીની સપાટીમાં પાણી છોડતા કોઝ વેની સપાટીમાં વધારો

સુરત :ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતના કોઝ વેની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોઝ વે પર લોકોની અવર જવર બંધ કરવામાં આવી છે. જો કે, છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે નદીઓમાં નવા પાણીની આવક પણ જોવા મળી રહી છે. બપોર સુધી કોઝ વેની સપાટી 5.92 મીટર પર હતી અને તે વધીને હવે 6 મીટર પર આવી પહોંચી છે.

સુરતમાં આઠ ઈંચ વરસાદ ખાબક્તા શહેરના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. કાતરગામ અને રાંદેરને જોડતા કોઝ વેની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જયારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝ વે ખાતે તાપી નદીની સપાટીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે કોઝ વેની સપાટીમાં વધારો થઈ 6 મીટરે આવી પહોંચી છે. જેથી હાલ લોકોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા વરસવાની સાથે જ ડેમમાં 3500 કયુસેકથી લઇને 16,000 કયુસેક ઇનફલો આવતા સપાટીમાં વધારો થઇને 314.11 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ ધીમીધારે મેઘરાજા વરસતા પાણીની આવકમાં ધીરેધીરે ધારો થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં લખપુરીમાં 2.5 ઇંચ, ઉકાઇમાં 2 ઇંચ, ટેસ્કા, ચોપડવાવમાં 1.5 ઇંચ, કાકડીઅંબા અને નવાથામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તો ઉપરવાસના હથનુર ડેમમાંથી 1700 કયુસેક પાણી છોડાઇ રહ્યું હતું. ગત દિવસોમાં નોંધાયેલા વરસાદથી ઉકાઇ ડેમમાં રવિવારે આખો દિવસ 3500 કયુસેકથી લઇને 16,000 કયુસેક ઇનફલો આવ્યો હતો. અને સપાટીમાં વધારો થઇને 314.11 ફૂટ પહોંચી હતી. ઉકાઇ ડેમનું રૂલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

(11:22 pm IST)