Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદ શહેર - ગ્રામ્યની સીલ કરાયેલ 40 માંથી 15 શાળાઓએ જાતે જ સીલ ખોલી નાખ્યાની ચર્ચા

આગામી દિવસોમાં અન્ય સ્કૂલો દ્વારા પણ સીલ ખોલી ધોરણ-12માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ :ફાયર સેફ્ટી તથા બી.યુ. પરમીશન નહીં હોવાના કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારની 40 જેટલી શાળાઓને સીલ મારી દીધાં હતા. જે પૈકી 15 જેટલી શાળાઓએ પોતાની જાતે જ સીલ ખોલી અભ્યાસ શરૂ કરાવ્યો હોવાની ચર્ચા ઉઠી છે. તેમાંય વળી આ 15 પૈકીની 4 અમદાવાદ શહેરની તથા 11 ગ્રામ્ય વિસ્તારની શાળા હોવાની વાતો વહેતી થઇ છે. જો કે સત્તાવાર કોઇ સમર્થન મળતું નથી. અને શાળા સંચાલક મંડળના આગેવાનોએ અજાણતા દાખવી હતી. તો કેટલાંકે ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું. આગામી દિવસોમાં અન્ય સ્કૂલો દ્વારા પણ સીલ ખોલી ધોરણ-12માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે.

આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીયુ પરમીશન અને ફાયર એનઓસીના મુદ્દે અમદાવાદ શહેર અને ગ્રામ્યની ઘણી સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યા હતા. જેમાં છેલ્લે અમદાવાદની 40 જેટલી સ્કૂલોને સીલ મારવામાં આવ્યા હતા. આ સ્કૂલોનું સીલ ખોલવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અમદાવાદ શહેર સંચાલક મંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આવી સ્કૂલોના સીલ ખોલવામાં આવ્યા ન હતા. દરમિયાન 15 જુલાઈથી સ્કૂલોમાં ધોરણ-12ના પ્રત્યક્ષ વર્ગો શરૂ થઈ ગયા હોવા છતાં આ સ્કૂલોમાં સીલ લાગેલા હોવાથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શક્યું ન હતું.

જોકે, સ્કૂલના સીલ ખોલવાને લઈને શનિવારના રોજ શાળા સંચાલકોની એક મિટીંગ મળી હતી. જેમાં સોમવારથી સ્કૂલોના સીલ ખોલી અભ્યાસ શરૂ કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હોવાની વાતો ચર્ચામાં છે. બીજી તરફ ગુજરાતના શહેરી વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં 31 માર્ચ, 2022 સુધી બીયુ પરમીશન અને ફાયરના મુદ્દે સીલ અંગે પગલા લેવામાં આવશે નહીં. આમ, જે સ્કૂલો લીગલ નથી તેઓ 31 માર્ચ, 2022 સુધી લીગલ થઈ શકે તેવી વ્યવસ્થા થઈ છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન સ્કૂલો સીલ નહીં થાય. પરંતુ જે સ્કૂલો સીલ થયેલી છે તે સ્કૂલો કોર્પોરેશનના અધિકારીઓની મંજુરી લઈ ખોલવાના બદલે સ્કૂલોએ પોતાની રીતે જ સ્કૂલો ખોલી અભ્યાસ શરૂ કરી દીધો હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.

શાળાઓના સીલ ખોલવા અંગે સંચાલક મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સીલ ખોલવામાં આવ્યા ન હોવાથી સંચાલકોએ પોતાની રીતે જ નિર્ણય લઈને સ્કૂલો ખોલી હોવાનું જાણવા મળે છે. વાલીઓ સ્કૂલો પાસે પ્રત્યક્ષ શિક્ષણને લઈને રજૂઆત કરતા હતા. જેથી સંચાલકોએ સ્કૂલો શરૂ કરવાનું નક્કી કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે શાળા સંચાલક મંડળોના આગેવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં કોઇએ અજાણતા દાખવી હતી તો અમૂકે ફોન ઉપાડવાનું ટાળીને ચૂપકીદી સેવી લીધી હતી

(9:25 pm IST)