Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પહેલી ઓગસ્ટ સુધી વેપારી-કર્મીઓ માટે રસી ફરજિયાત

કોરોના ગાઈડલાઈન સંદર્ભે સરકારનું જાહેરનામું : ૮ શહેરોમાં ૨૦ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી રાત્રી કર્ફ્યુ લંબાવાયો, દુકાન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

અમદાવાદ, તા.૧૯ : કોરોના વાયરસને કારણે છેલ્લા દોઢ વર્ષથી વેપાર ધંધા ઠપ્પ થયા છે. લોકડાઉન બાદ સરકાર તબક્કાવાર છુટછાટ આપી રહી છે. આ વચ્ચે આજે ફરીથી રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ આઠ મહાનગરમાં જે વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓએ ૧ ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવો ફરજિયાત છે. જો તેમણે રસી નહીં લીધી હોય તો તેમને કામકાજ કરવા દેવામાં આવશે નહીં.

આજ રોજ રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનો અમલ ૨૦ જુલાઈથી લાગુ થશે. આ જાહેરનામા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં આગામી ૨૦ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુનો સમય લંબાવવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે.

આ સાથે દુકાનારો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, ગુજરી બજાર, હેટ કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીઓ પોતાની દુકાન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. આ સાથે માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા લોકોએ ૩૧ જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો પડશે નહીંત તેમની વેપાર ધંધો બંધ કરાવવામાં આવશે.

અન્ય નિયંત્રણોઃ રેસ્ટોરન્ટ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, રેસ્ટોરન્ટ્સમાં હોમ ડીલિવરીની સુવિધા રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, જીમ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, જાહેર બાગ-બગીચા રાત્રે ૮ વાગ્યા સુધી જાહેરન જનતા માટે ખુલ્લા રહેશે, લગ્ન પ્રસંગમાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓને મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે,અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમ ૪૦ લોકોને મંજૂરી, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ ૨૦૦ વ્યક્તિ એકત્રિત થઈ શકશે, પબ્લિક અને પ્રાઈવેટ બસ ૧૦૦ ટકા ક્ષમતા સાથે જ્યારે એસી બસ ૭૫ ટકા ક્ષમતા સાથે, પ્રેક્ષક વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે, સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, હોલ, મનોરંજનક સ્થળો મહત્તમ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, વોટર પાર્ક અને સ્વિમીંગ પુલ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે,સ્પા સેન્ટરો બંધ રહેશે.

(9:02 pm IST)