Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતમાં રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદના કારણોસર નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકી

સુરત: શહેરમાં ગઈકાલ સાંજથી શરૂ- થયેલા દેમાર વરસાદના કારણે નીચાળવાળા કેટલાક વિસ્તારની હાલત કફોડી થઈ ગઈ હતી. મ્યુનિ.ના વરાછા અને લિંબાયત ઝોનમાં વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોની મુશ્કેલી વધી હતી. રાત્રીના બે વાગ્યે પરવત ગામના પાદર ફળિયા હળપતિવાસમાં પાણીનો ભરાવો થતાં પાલિકાએ વીસ પરિવારનું સ્થળાંતર કરાવ્યું હતું. દેમાર વરસાદના કારણે પાણીનો ભરાવો થતાં પાલિકા તંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. પાલિકાના સ્ટાફ સાથે સાથે મેયર એન સ્થાનિક કોર્પોરેટરો પણ પાણી ભરાયા તે વિસ્તારના લોકો માટે કામગીરી કરતા નજરે પડયા હતા.

સુરત મ્યુનિ. વિસ્તારમાં ગઈકાલે સાંજતી શરૂ થયેલા તોફાની વરસાદના કારણે ખાડીના લેવલ ઉંચા આવ્યા હતા આ ઉપરાંત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. મોડી રાત્રીએ બે વાગ્યે લિંબાયત ઝોનમાં આવેલા પરવટ ગામના પાદર ફળિયામાં પાણી ભરાયા હતા. આ અંગેની ખબર મળતાં લિંબાયત ઝોનના અધિકારી- કર્મચારીઓ રાત્રીમાં જ પહોંચી ગયાં હતા. આ કર્મચારીઓની સાથે મદદ માટે સ્થાનિક કોર્પોરેટર દિનેશ પુરોહિત પહોંચ્યા હતા. આ વિસ્તારના વીસ પરિવારોને રાત્રી દરમિયાન સીટી બસની મદદથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.  આજે સવારે સણિયા હેમાદ ખાતે આવેલા હળપતિ વાસમાં પાછળના ભાગથી પાણીનો ભરાવો થતાં તંત્ર એલર્ટ થયું છે. જોકે સ્થળાંતરની હાલ કોઈ જરૂર ન હોવાથી સ્થળાંતર કરાયું નથી પરંતુ 500 જેટલા ફુડ પેકેટ બનાવીને વિતરણ કરવામા ંઆવ્યું છે. 

(5:46 pm IST)