Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદમાં બ્રોકર દંપત્તિએ ભાવનગરના સિનિયર સિટીઝનને દુકાન ભાડે આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધાઃ પતિ આલોક દોશીની ધરપકડઃ પત્‍ની ગાયબ

અમદાવાદ: વિશ્વાસઘાતના અનેક કિસ્સા તમે અત્યાર સુધી સાંભળ્યા હશે પણ અહીં તો એક બ્રોકર દંપતીએ છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના સિનિયર સિટિઝનને દુકાન ભાડે આપવાની લાલચ આપી આ ઠગ દંપતીએ લાખો રૂપિયા પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક દંપતી પર લાગ્યો છેતરપિંડીનો આરોપ અનેએ પણ સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી કરવાનો આરોપ. એસજી હાઈવે પર આલિશાન ઓફિસ ખોલી આ દંપતી લોકોને બ્રોકરેજના નામે લોકોને ઠગવાનું કામ કરે છે. ભાવનગરના સિનિયર સિટીઝન દંપતીએ બંને સામે 29 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આલોક દોશીની ધરપકડ કરી છે. જ્યારે તેની પત્ની પંખીની જોશી ગાયબ હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 

આરોપી દંપતીએ અમદાવાદના એસજી હાઈવે પર ગણેશ મેરિડીયનમાં સિગનીસ રિયલ્ટી નામની ઓફિસ ખોલી હતી. અને અહીં જમીન દલાલીનો ધંધો ચલાવતા હતા. ફરિયાદીને દુકાન લેવાની હોવાથી આરોપીનો સંપર્ક કર્યો. આરોપીએ ફરિયાદીને ચાંદખેડામાં પાશ્વ ઈન્ફ્રા પ્રાઈવેટ લીમિટેડ નામનો નવો પ્રોજેક્ટ લોન્ચ થવાની માહિતી આપી હતી. જેમાં સસ્તા ભાવે સારી દુકાન અપાવવાની પણ લાલચ આપી હતી. અને ટુકડે ટુકડે કરીને 29 લાખ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા હતા. પરંતુ 1 વર્ષથી વધુ સમય થતા બ્રોકરે પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી આપી નહી. અને દંપતી બહાના બતાવતું હતું જે અંગે ફરિયાદીને શંકા જતાં તપાસ કરી તો આવો કોઈ જ પ્રોજેક્ટ ન હોવાનું સામે આવતા પોતે છેતરાયા હોવાનું અનુભવ થયો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ બાદ આરોપી આલોક જોશીની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી. આરોપીએ પાશ્વ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ નામથી નકલી બ્રોશર બનાવ્યુ હતું અને આ પ્રકારે લોકોને વાતોમાં ફસાવી રૂપિયા પડાવતો હતો. આરોપીએ એ પણ કબૂલાત આપી છે કે 29 લાખ પૈકી 9 લાખ રૂપિયા તો તેણે પરત કરી દીધા હતા. હાલ પોલીસે આ ભેજાબાજ દંપતીએ અન્ય કોને કોને છેતર્યા છે અને પંખીની જોશી ક્યાં છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

(4:23 pm IST)