Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ખેડા જીલ્લાના ગળતેશ્વર ખાતે વિકએન્‍ડમાં પ્રવાસીઓ ઉમટયાઃ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્‍યો સર્જાયાઃ મહીસાગર નદીમાં એક સાથે અનેક લોકો નહાવા પડયા

ખેડા: પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કરી લીધું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ ઉપર ઉમટી પડતા હોય છે. ત્યારે આજે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. એવામાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થતા જ કોરોનાનો ભય રહ્યો ન હોય તેમ મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળો પર લોકો ઉમટી રહ્યા છે. ખેડા જિલ્લાના પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ તેમજ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે મહિસાગર નદીના કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ગળતેશ્વરમાં મહીસાગર લોકમાતા નદીમાં મોટી સંખ્યામાં સ્નાન કરી ગરમીમાં રાહત મેળવતા નજરે પડ્યા હતા. જ્યાં ગઈ કાલે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા જે આવનારા સમયમાં ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી વેવને લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કર્યું હોય તેમ વીકએન્ડમાં લોકો પ્રવાસન સ્થળ પર ઉમટી પડ્યા હતા.

ત્યારે આ દૃશ્યોને જોતાં પ્રશાસને આ પરિસ્થિતિની નોંધ લેવાની જરૂર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની જરૂર છે જેથી આવા પ્રવાસન સ્થળ ઉપર પ્રવાસીઓ આવતા અટકે અને સંભવિત કોરોનાની ત્રીજી લહેરને આવવાથી રોકી શકાય.

(4:20 pm IST)