Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતમાં 12 કલાકમાં ધોધમાર 8 ઈંચ વરસાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ જતાં 15 પરિવારોનું સ્થળાંતર :ખાડીના પાણીના તેમજ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી :મેયર હેમાલી બોઘાવાલીએ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલા લેવા આદેશ કર્યાં

ડાયમંડ નગરી સુરત તથા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. આજે સવારે છ વાગે પૂરા થયેલા 12 કલાક દરમિયાન 8 ઈંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે.

સુરત રેલ્વે સ્ટેશન પાસેના ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ ગયું હોવાથી (વરાછા ઝોન બીના ચીફ) ડી. એમ જરીવાલા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર ઝડપથી પાણીના નિકાલ થાય તે માટે મેયર હેમાલી બોઘાવાલીએ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલા લેવા આદેશ કર્યાં હતા.

પાસોદરા ગામ ખાતે ક્રિષ્ના રોહાઉસ ના આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ અર્થ GAS એન.વી ઉપાધ્યાય ( વરાછા બી ઝોન ચીફ) તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલાં લેવા સૂચન કર્યા હતા

પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ જતાં 15 પરિવારોનું સ્થળાંતર કરકાયું છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.

(12:05 pm IST)