Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દમણના કલેક્ટરપદેથી રાજીનામુ આપનાર પૂર્વ IAS અધિકારી હવે રાજકારણમાં ઝંપલાવશે : કોંગ્રેસમાં જોડાઈ તેવી શકયતા

કોંગ્રેસના સેવાદળને ફરી બેઠું કરવાના પ્રયાસના ભાગરૂપે કનન ગોપીનાથન કોંગ્રેસમાં જોડાઈ શકે

અમદાવાદઃ ઈન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ IAS અધિકારી કનન ગોપીનાથન રાજકારણમાં ઝંપલાવીને કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ ને મળીને કનન ગોપીનાથને લાંબો સમય સુધી બેઠક કરતાં આ અચકળો તેજ બની છે. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને કનન ગોપીનાથન વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે બેઠક થઈ હતી.

મોદી સરકારે બંધારણની કલમ 370 હટાવતા કનન ગોપીનાથને દમણના કલેક્ટર તરીકે રાજીનામુ આપ્યું હતું અને ઈન્ડિયન સિવિલ સર્વિસીસ છોડવાની જાહેરાત કરી હતી. બંધારણની કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ હતી.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના સેવાદળને ફરી બેઠું કરવાના પ્રયાસના ભાગરૂપે કનન ગોપીનાથન કોંગ્રેસમાં જોડાઈ શકે છે. લાલજી દેસાઈ સાથે બેઠક પછી પૂર્વ IAS ઓફિસર કનન ગોપીનાથને મહત્વનું નિવેદન કર્યું કે, સરકાર દ્વારા મનસ્વી પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે જે યોગ્ય ન કહેવાય. આ દેશમાં સત્તા મળતાં સત્તામાં બેઠેલાં લોકો કંઈ પણ કરી શકશે તેવું વિચારવું ખોટું છે.

કનન સ્વામીનાથને ચોંકાવનારી વાત કરી કે, હું આજે જગન્નાથ મંદિર ગયો ત્યાં મંદિરમાં ભગવાન પહેલાં મોદીના ફોટો જોવા મળ્યા. મંદિરમાં લોકો ભગવાનનાં દર્શન કરવા આવે છે ત્યારે ત્યાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીના ફોટાની શુ જરૂર એવો સવાલ ગોપીનાથને કર્યો. તેમણે કહ્યું કે, દેશની પરિસ્થિતિ જોતાં લાગે છે કે જનતાને વિપક્ષને બોલવાનો અધિકાર નથી અને સરકાર દ્વારા મનસ્વી પ્રકારના નિર્ણયો લેવાઈ રહ્યા છે જે યોગ્ય ન કહેવાય. તેમણે કહ્યું કે, સેવાદળમાં થતી પ્રવૃત્તિઓ મામલે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સાથે મુલાકાત કરી છે. સેવાદળ સીધી રીતે રાજકારણ સાથે જોડાયેલી નથી એવી થોટ પ્રોસેસ ધરાવતું સંગઠન છે તેથી સેવાદળનો વ્યાપ વધારવા માટે ચર્ચા કરાઈ છે.

(10:53 am IST)