Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કાલથી ગૌરીવ્રત, બુધવારથી અલૂણા વ્રત છતા ડ્રાયફ્રૂટ માર્કેટમાં સુસ્‍તીથી ચિંતા વધી

કાજુ,બદામ જેવા સૂકા મેવાની ખરીદી સતત બીજા વર્ષ અસરગ્રસ્‍ત

સુરત,તા. ૧૯ : કોરોનાની ત્રીજી લહેરાની દહેશત વચ્‍ચે તહેવારોની ઝાકમઝોળ શરૂ થઇ છે. પરંતુ બજારમાં નીરસ માહોલ દેખાતો હોય વિવિધ પર્વો ટાણે થતી ઘરાકી સાથે જોડાયેલા વેપારીઓ ચિંતાતુર દેખાયા છે. મંગળવારે દેવશયની એકાદશી સાથે ગૌરીવ્રત અને પછી બુધવારથી અલૂણાંવ્રતની શરૂઆત થશે. જો કે કાજુ, બદામ, જેવા સૂકા મેવાની ખરીદી સતત બીજા વર્ષે અસરગ્રસ્‍ત થઇ હોય એમ ખરીદીમાં ૫૦ ટકાનો કડાકો બોલાઇ ગયો હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે.

દર વર્ષે અષાડ માસમાં ગૌરીવ્રત અને અલૂણાંની ગાથા વર્ષો જૂના શાષાો સાથે સંકળાયેલી છે. સૌપ્રથમ મા પાર્વતી (ઉમા) અને શિવજીને પતિ તરીકે પામવા માટે આ વ્રત કર્યું હોવાનું માનવાામં આવે છે. દર વર્ષે દેવશયની એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધી ગૌરીવ્રત અને અષાઢ સુદ તેરસથી શરૂ કરીને અષાઢ વદ બીજ સુધી અલૂણાંવ્રત ચાલે છે. ત્રીજના દિવસે અલૂણાંવ્રતના પારણા કરવામાં આવે છે. આ પાંચ દિવસ બહેનોને મીઠુ(નમક) વગરનું ભોજન કરે છે. દૂધ-સૂકો મેવો આરોગે છે. મહાદેવજીની પૂજા અર્ચના કરે છે. છઠ્ઠા દિવસે પારણા નિમિતે બ્રાહ્મણને જમાડે છે અથવા તો કાચું સીધુ આપે છે. નાની બાળાઓ જવારાની પુજા કરે છે. તેમાં વાંસની ટોપલીમાં ઘઉં, ચોખા, જવ, તેલ, તુવેર અથવા વાલને માટીમાં રાખીને જવારા બનાવે છે. ગૌરીવ્રત અને અલૂણાંવ્રતના દિવસોમાં સૂકા મેવાની ખરીદીમાં ધરખમ ઉછાળો જોવા મળે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સૂકા મેવાના બજારમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર નોંધાઇ છે. પરંતુ સતત બીજા વર્ષ ગૌરીવ્રત અલૂણાંવ્રતની સિઝનમાં ડ્રાયફ્રુટ માર્કેટમાં નીરસતા જોવા મળી રહી હોવાનો સૂર વેપારીઓ આલાપી રહ્યા છે. સુરતમાં જ ડ્રાયફ્રુટ વિક્રેતા એસોસિયેશન સાથે ૩૫૦ જેટલા વેપારીઓ જોડાયા છે. જેમાં ચાલુ વર્ષે કોરોના મોંઘવારી, મંદી, અને લોકોની આર્થિક સ્‍થિતીને જોતાં વેપારીઓએ ઓછો સ્‍ટોક કર્યો હોવાનું અને બીજી બાજુ દર વર્ષની માફક ખરીદીમાં પણ ૫૦ ટકા સુધીનો ફટકો પડયો હોવાનો મત અપાઇ રહ્યો છે.

 વેપારીઓએ ઓછો સ્‍ટોક કર્યો, છતાં ઘરાકી નથી

સુરત ડ્રાયફ્રુટ વિક્રેતા એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્‍ટ મુન્‍નાભાઇ બામણિયાએ જણાવ્‍યું હતુ કે આ વર્ષે ડ્રાયફ્રુટનું બજાર ઠંડું છે. કોરોના લોકોની આર્થિક સ્‍થિતીને જોતા લોકોએ પણ ખરીદી માટે કોઇ તૈયારી કરી નથી ઠંડુ બજાર હોય પહેલેથી જ વેપારીઓએ ઓછો સ્‍ટોક કર્યો હતો.

(10:29 am IST)