Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

એક વિદ્યાર્થીને લાભાર્થી બનાવવાથી એક કુંટુંબને લાભાન્વિત કરી શકાય

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ચોક્કસ લાભ મળી શકે :આણંદના સાંસદ મિતેષ પટેલે મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદ :  આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને લઇને ભાજપે અત્યારથી જ વધુ બેઠકો મેળવવા માટે કમર કસી છે. તેના ભાગરૂપે જ ખાલી પડેલી હોદ્દેદારોની જગ્યાઓ ભરવાથી માંડીને અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોકસંપર્ક રાઉન્ડ શરૂ કરી દીધા છે. આમ ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. તેવા સમયે આણંદના લોકસભાના સાંસદ મિતેષ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વિદ્યાર્થીને લાભાર્થી બનાવવાથી એક કુંટુંબને લાભાન્વિત કરી શકાય તેમ છે, તેનાથી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસ લાભ મળી શકે છે. આ પત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે

આણંદના લોકસભાના સાંસદ મિતેષ પટેલના નામના લેટરપેડ પર ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને તા.9મી જુલાઇએ લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લખ્યું છે કે, ઉત્તમથી સર્વોત્તમ તરફ ગુજરાતની હરણફાળને વેગવંતુ બનાવવા માટે આપ દ્વારા એક પછી એક વિકાસની કિર્તીમાં પીછાં ઉમેરી રહ્યાં છો. હાલમાં જ ગુજરાતની પ્રજાને 69 બિનઅનામત જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સર્ટીફીકેટ દ્વારા બિનઅનામત વેલ્ફેરની યોજનાઓનો લાભ મળનાર છે. જેનાથી મારા વિસ્તારમાં સ્થાનિક અગ્રણીઓ અને પ્રજાજનોમાં એક અનહદ સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

વધુમાં પત્રમાં લખ્યું છે કે, આ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને કોરોના મહામારીમાં ફી મુદ્દે સહાયરૂપ થઇ શકાય તે હેતુથી લાભ મળી શકે તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. જેનાથી આવતી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ચોક્કસ લાભ મળી શકે. જેમાં એક વિદ્યાર્થી લાભાર્થી બનવાથી એક કુંટુંબને લાભાન્વિત કરી શકાય તેમ છે.

આ અંગે આણંદના સાંસદ મિતેષ પટેલએ જણાવ્યું હતું કે, મેં લેટર લખેલો હતો. ભૂલથી મારી ઓફીસમાં કયાંક મૂકાઇ ગયો હતો. મે ડીલીટ કરાવી દીધો છે. રૂપાણી સાહેબને લેટર ના મોકલાય. તેમાં મે એવુ લખ્યું હતું કે, આનંદીબેનના સમયમાં બિનઅનામત આયોગને ફંડ ફાળવ્યું હતું. તે ફંડ ફોરેન ભણવા જઉં હોય તેવા બિનઅનામતના વિદ્યાર્થીઓ કે જેમની કોવીડમાં આવક ઓછી થઇ ગઇ હોય તેમને ફીમાં મદદ કરવી જોઇએ તેવો મારો આશય હતો. આયોગમાં રહેલું ફંડ એજ્યુકેશનમાં વાપરવું જોઇએ અને તેમને શિક્ષણ મળવું જોઇએ તેમની જીંદગી ના બગડવી જોઇએ તેવો મારો મુખ્ય આશય હતો

(10:52 pm IST)