Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ટીમ વડોદરા પોલીસે કોરોનામાં સંવેદનાપૂર્ણ સેવાઓ આપી અને ગુનાઓને નિયંત્રણમાં રાખવામાં પણ ઉત્તમ કામગીરી કરી: ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજી...

વડોદરા શહેરને ચાર નવા પોલીસ મથક અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ 650 સી.સી.ટીવી કેમેરા મળશે: 363 નું મહેકમ વધશે અને 33 બોલેરો અને 52 મોટર સાયકલ સ્વરૂપે નવા વાહનો તથા સાધનો મળશે: કોરોના અને ગુના શોધન ની ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને પોલીસ જવાનો નું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું સન્મામ

અમદાવાદ :ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજી જાડેજા એ શહેર પોલીસ કમિશનર તથા રેન્જ આઇ.જી.અને જિલ્લા પોલીસ વડા સાથે ક્રાઇમ રિવ્યૂ બેઠક યોજીને ગુનાઓ ઝડપવા,ઘટાડવા લેવામાં આવેલા પગલાં અને તેમાં મળેલી સફળતા ની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે નર્મદા વિકાસ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ,ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા,સીમાબેન મોહિલે,મનીષાબેન વકીલ અને શૈલેષભાઈ મહેતા ને સાથે રાખીને પોલીસ વિષયક બાબતો ની  અને નિરાકરણ ના ઉપાયોની ચર્ચા વિચારણા કરી સૂચનાઓ આપી હતી.

  ગૃહ મંત્રીના હસ્તે નકલી રેમદેસિવિર,નકલી સેનેટાઈઝર બનાવવાના ગુનાઓનો પર્દાફાશ કરનારા,ઓકસીજન સિલિન્ડર ના કાળાબજાર રોકવા,સી.સી.ટીવી ના આધારે અછોડા તોડો ને ઝડપવા,સાયબર ક્રાઇમ માં સંડોવાયેલી વિદેશી ગેંગ ને ઝડપવા, આંતર રાષ્ટ્રીય ડ્રગ માફિયા ને પાછો લાવવા સહિતની અને કોરોના કાળમાં સેવાની પ્રસંશનીય કામગીરી કરનારા જયદીપસિંહ જાડેજા,અમિતા વાનાની સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો નું સન્માન કર્યું હતું.
  નર્મદા વિકાસ મંત્રીશ્રી ના સૂચન પ્રમાણે તેમણે પોલીસ પરિવારો માટે લાલબાગ એસ.આર.પી.કેમ્પમાં અને પ્રતાપનગર પોલીસ વડા મથકમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા ને અનુરોધ કર્યો હતો જેનો તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
   ગૃહ રાજ્ય મંત્રી એ ટીમ વડોદરા પોલીસની વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી ને ઉદાહરણો આપીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે,મહિલાઓ,બાળકો અને વડીલોને મદદ અને હૂંફ,ગુડ ટચ બેડ ટચ જેવા સંવેદનશીલ પ્રોજેક્ટ,લવ જેહાદના કેસો ની તલ સ્પર્શી તપાસ,લેન્ડ ગ્રેબરો સામે પગલાં સહિતની બાબતોમાં ટીમ વડોદરા પોલીસે રાજ્ય માં સહુ થી ઉત્તમ કામગીરી કરી છે.શી ટીમ વડોદરાની કામગીરી પણ શ્રેષ્ઠ રહી છે.સાયબર ગુનાઓ નો પર્દાફાશ કરવામાં પણ વડોદરા પોલીસ ની કામગીરી સારી રહી છે.
  તેમણે જણાવ્યું કે, વડોદરા પોલીસની ઉત્તમ કામગીરીને વધુ ઉત્તમ બનાવવા વડોદરા શહેરના વ્યાપને ધ્યાનમાં રાખીને કુંભાર વાડા,અકોટા,અટલાદરા અને કપુરાઇ ના નવા પોલીસ મથકો મંજૂર કર્યા છે.  આ નવા પોલીસ મથકો માટે 300 નું મહેકમ  સાથે શહેર પોલીસ માટે ના મહેકમ માં   63 નો વધારો , 33 બોલેરો જીપ અને 52 મોટર સાયકલ વાહનો ની ફાળવણી અને સાધન સુવિધાઓ આપવાની જોગવાઈ કરી છે.બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે.
  હાલમાં 1355 જેટલા સી.સી.ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.વિશ્વાસ પ્રોજેક્ટ ના બીજા ચરણ માં 650 વધુ સી.સી.ટીવી કેમેરા આપવાનું આયોજન છે.
   ધારાસભ્યઓ ની રજૂઆત ને અનુલક્ષીને તેમણે જણાવ્યું કે,લોન ની વસુલાત માટે દાદાગીરી કરનારા રિકવરી એજન્ટો સામે નાગરિકો ની ફરિયાદ મળેથી ગુનો નોંધવામાં આવશે. તેમણે શહેર પોલીસ મથકના વિસ્તારમાં સી.સી.ટીવી સર્વેલાન્સ સઘન બનાવવા અને યોગ્ય કિસ્સાઓમાં આધાર કાર્ડની ચકાસણી સહિતના પગલાં લેવા સૂચના આપી હતી.
  નશીલા પદાર્થો ને લગતા ગુનાઓ માટે મલ્ટી ડ્રગ ટેસ્ટ ડીવાઈસ કીટ ના ઉપયોગની વડોદરા પોલીસની પહેલને તેમણે બિરદાવી હતી.અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સરવેલાન્સ વધારવા સહિતની રજૂઆતો માં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.મેયરશ્રી દ્વારા કોરોના કાળમાં વાહનો ના દંડની બાબતમાં સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લેવા વિનંતી કરી હતી.આ ઉપરાંત મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ સહયોગ સહિત ની બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી.
  શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે ગૃહ રાજ્ય મંત્રીને આવકારવાની સાથે ગત વર્ષની સરખામણી માં ગંભીર ગુનાઓ શોધવામાં થયેલો વધારો,ટ્રાફિક અકસ્માતો ઘટાડવા લેવામાં આવેલા પગલાં સહિતની બાબતો ની વિગતવાર જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.  તેમણે દરેક પોલીસ મથકમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર ની રચના,કોરોના રસીકરણ માં શહેર પોલીસ નો સહયોગ , કોરોના વોરિયર શહીદ જવાનો ના પરિવારો ને રૂ.25 લાખ પ્રમાણે સહાય સહિતની પહેલો ની જાણકારી આપી હતી.તેમણે પોલીસ કામગીરીમાં રાજકીય પાંખના સહયોગને બિરદાવ્યો હતો.અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા અને નાયબ પોલીસ કમિશનરઓ એ બેઠકમાં ભાગ લીધો હતો.

(10:10 pm IST)