Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

શ્યામલ રોડ : હરિત જવેલર્સને એક લાખ રૂપિયાનો દંડ કરાયો

જેટ ટીમ દ્વારા જવેલર્સને આકરો દંડ ફટકારાયોઃ જેકવેલિન ફર્નાન્ડીઝ શોરૂમનું ઉદ્ઘાટન કરવા આવવાની છે તે પહેલાં ગેરકાયદે મંડપ બાંધતા વિવાદ સપાટી ઉપર

અમદાવાદ, તા.૧૯: અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાની મુહીમ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટ (જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ)નું ગઠન કરવામાં આવ્યું છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે ઝુંબેશ ચલાવી દંડનીય કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે અમદાવાદના શ્યામલ રોડ પર આવેલ હરીત જવેલર્સને જેઈટીની ટીમે સૌ પ્રથમવાર અમ્યુકોના ઇતિહાસમાં કોઇ જવેલર્સને સૌથી વધુ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્પોરેશનની ટીમ દ્વારા એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં આ મામલે જવેલર્સ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના શ્યામલ રોડ પર પ્રસિદ્ધ હરિત જ્વેલર્સની શોપ આવેલી છે. અહીં તા.૨૧ જુલાઈના રોજ બોલિવૂડ એક્ટ્રેસ જેક્વેલિન ફર્નાન્ડિઝ આ શોરૂમનું ઉદઘાટન કરવા માટે આવવાની છે. બોલિવૂડ સેલિબ્રિટીને આમંત્રણ આપ્યું તે ઉપરથી જ સમજી શકાય છે કે, આ શોરૂમનું મેગા લોન્ચિંગ થવાનું છે. હરિત જવેલર્સ દ્વારા પોતાની મેગા ઈવેન્ટ માટે શોરૂમ દ્વારા બહાર ફૂટપાથ અને રસ્તા પર ગેરકાયદે મંડપ બાંધવામાં આવ્યો હતો. જે મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કોર્પોરેશનની જેઈટી ટીમે શોરૂમને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર ૧ બનાવવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જેઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ પાંચ લોકો સામેલ હોય છે. જે એક ઈલેક્ટ્રીક રિક્ષામાં બેસીને અમદાવાદમાં ઠેર-ઠેર સ્વચ્છતા અને ર્પાકિંગ મુદ્દે લોકોને દંડ ફટકારી તેમને કાયદાનું ભાન કરાવે છે. તેવામાં કોર્પોરેશને ગેરકાયદે ફૂટપાથનો ઉપયોગ કરવા બદલ ૧ લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારતાં લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી. ખાસ કરીને જવેલર્સ વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(9:56 pm IST)