Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

માંસ નિકાસને મર્યાદિત કરવા માટે કેન્દ્ર સક્રિય વિચારણા કરે

રાજયશસૂરીશ્વરજી મહારાજનો કેન્દ્રને અનુરોધઃ હવે રાજયશસૂરીશ્વર મહારાજનાં ૭૫મા વર્ષમાં પ્રવેશની અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી : ગુજરાતમાં કાર્યક્રમ

અમદાવાદ, તા.૧૯: દેશમાં જીડીપીના ઉંચા દરના કારણે વિકાસ કે દેશના નાગરિકો સુખી હોય એ વાતમાં કોઇ દમ નથી. સાચુ સુખી નીતિમત્તા, સંસ્કૃતિ અને સિધ્ધાંતોને આધીન હોય છે. મોદી સરકાર શા માટે માંસાહાર અને માંસની નિકાસને પ્રોત્સાહિત કરી રહી છે, તે સમજાતું નથી. એકબાજુ, સમગ્ર જૈન સમાજ, સાધુ-સંતો અને હિન્દુ સંપ્રદાય માસાંહારનો ત્યાગ કરી સમાજમાં અહિંસા પ્રસ્થાપિત કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મોદી સરકારે પણ માંસની નિકાસને મર્યાદિત કરવાની દિશામાં યોગ્ય વિચાર કરવો જોઇએ એમ જૈન ધર્મનાં અગ્રગણ્ય આચાર્યોમાં આગવું સ્થાન ધરાવતા પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું. તેમણે દેશ અને દુનિયામાંથી આંતકવાદને નાથવા અને ઇન્ટરનેશનલ વેજીટીરીયન કોમ્યુનીટી માટે અસરકારક પગલાં ભરવા પણ અનુરોધ કર્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં ઇન્ટરનેશનલ વેજીટીરીયન કોમ્યુનીટી બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. પૂ.જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજીનાં ૭૫ વર્ષમાં મંગલ પ્રવેશને અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવવાનું આયોજન ભક્ત સમુદાયે કર્યું છે. જેનાં સંદર્ભમાં તા. ૨૧ જુલાઈ, ૨૦૧૯નાં રોજ ભક્ત સમુદાય અને શુભેચ્છકોનું સંમેલન જોધપુર ગામસ્થિત બીનાબેન નયનભાઈ શાહ જૈન ઉપાશ્રયમાં યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંસની નિકાસને પોત્સાહન આપવાની વાત દેશની આવકને ધ્યાનમાં રાખી એક ઇન્ટરવ્યુમાં કરી હતી, તેને લઇને પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરથી લઇ મહાત્મા ગાંધીજીએ અંહિસા પરમો ધર્મનો મહાન સંદેશ આપ્યો છે અને તેના પાલન અને સમાજમાં આ અંગેની  જાગૃતિ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં જે પ્રકારે કતલખાના વધી રહ્યા છે અને માંસાહાર તેમ જ માંસની નિકાસની વાતને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે, તે કયાંક દુઃખ પહોંચાડનારી અને આશ્ચર્ય ઉપજાવતી બાબત છે. મોદી સરકારે આ સમગ્ર મુદ્દે ગંભીરતાપૂર્વક પુનઃ વિચાર કરવો જોઇએ. આપણી સંસ્કૃતિ, સિધ્ધાંતો અને માનવતા નેવે મૂકીને વિકાસની રાજનીતિ ના હોઇ શકે. પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં ૭૫મા વર્ષમાં પ્રવેશની અહિંસા અમૃત વર્ષ તરીકે ઉજવણી દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં અંહિસા રેલી, શેરી નાટકો, બાળકો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધા,  સત્સંગ અને જાગૃતિ કાર્યક્રમો સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જે દરમ્યાન સમાજમાં અહિંસા, ગર્ભહત્યા(ભ્રુણ હત્યા) અટકાવવા, માંસાહાર ત્યજી શાકાહાર તરફ વાળવા, પશુબલિની પ્રથા નાબૂદ કરવા, આંતકવાદને નાથવા, સમાજમાં શાંતિ અને સહિષ્ણુતાનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા સહિતના જાગૃતિ સંદેશ ફેલાવવાનું ઉમદા કાર્ય હાથ ધરાશે. પૂ. જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઉમેર્યું કે, તા. ૨૧મી જૂલાઇના રોજ યોજાનારા સંમેલનમાં મુખ્ય મહેમાનપદે ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં હૈદરાબાદના પ્રખર અહિંસા પ્રચારક શ્રી શ્રી જસરાજજી શ્રીશ્રીમાલ અને દેશનાં અન્ય ભાગોમાંથી ભક્ત સમુદાય અને શુભેચ્છકો ભાગ લેશે. આ સંમેલનમાં બ્રહ્માકુમારીઓ પણ ઉપસ્થિત રહેશે. ગર્ભહત્યા અટકાવવાનાં પ્રખર સમર્થક ડો. પટેલ પણ આ સંમેલનમાં ભાગ લેવા આવશે તથા લાખો લોકોને માંસાહારનો ત્યાગ કરાવનાર ડો. ગંગવાલ પણ પુનાથી પધારશે તથા પ્રો. રમઝાન હાસણિયા તથા કુમારી ભાષા વાઘાણી પણ પધારશે. આ પ્રસંગે પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી સાધ્વીવર્ય શ્રી વાચંયમાશ્રીજી (બહેન મહારાજ સાહેબ)નું પણ માર્ગદર્શન સાંપડશે.

(9:55 pm IST)