Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાજ્યમાં સરકારી સામુહિક આરોગ્ય કેન્‍દ્ર ભગવાન ભરોસેઃ દર્દીઓ હેરાન

અમદાવાદ: રાજ્યના દરેક નાગરિકને રાઉન્ડ કલોક એટલે કે 24 કલાક આરોગ્યની સેવા મળે તે માટેનાં સરકારી સામુહિક કેન્દ્ર ઉપર ખરેખર શું છે પરિસ્થિતિ??? શું દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળે છે ? પરંતુ જે હકીકત સામે આવી છે તે જોઇને અને સાંભળીને તમે પણ ચોંકી જશો. સરકારે કરોડોનો ખર્ચ કરી બનાવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર આમતો તમામ પુરતી સુવિધાઓથી સજ્જ છે. પરંતુ જો દવાખાનામાં ડોક્ટર હોય તો??? આમતો સામાન્ય રીતે સામુહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત અને તબીબ હાજર હોવો જોઈએ. પણ કેટલાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે હોય છે.

મેહસાણાના લાઘણજ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રની જો વાત કરીએ તો આરોગ્ય કેન્દ્રમાં અંદાજીત 42થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કહી સકાય કે બહુ મોટી જવાબદારીવાળું CHC સેન્ટર ગણવામાં આવે છે. CHC સેન્ટરમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં હાજર જોવા મળ્યો હતો. ત્યારે સેન્ટર પર હાજર ડોક્ટર સાથે વાત કરતા જણવા મળ્યું કે, મુખ્યત્વે રાતના સમયે એક મેડીકલ ઓફિસર એક નર્સિંગ સ્ટાફ, આયા સહીત એમ્બ્યુલન્સના સ્ટાફ અહિયાં હાજર રેહતા હોય છે. એટલે કહી સકાય કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સર્જાય તો પૂરતા પ્રમાણમાં સ્ટાફ હાજર રહેવાના કારણે અહિયાં તાત્કાલિક સારવાર મળી રહે છે.

નવસારીના ચીખલી ખાતે આવેલ સીએચસી સેન્ટર ચેક કરતા દર્દીઓ તો મોટી સંખ્યામાં હાજર હતા. પરંતુ તેમને સારવાર આપવા માટે કોઈ સ્ટાફ હાજર હતો. તો ડોકટરનો જે રૂમ હતો તેમાં ડોકટર હતા અને ખાલી ખુરશીઓ જોવા મળી હતી. ત્યારે સીએચસીના એક કર્મચારીને પૂછતાં ડોકટર ફરજ હાજર નથી અને તેઓ ઘરે છે, તેમને બોલાવું એમ કહ્યું હતું. ત્યારે સીએચસીમાં રાત્રે આવતા દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે એક પ્રશ્ન ઉભો થાય છે.

પાલનપુરના ચંડીસર ગામે આવેલા CHC કેન્દ્રએ આજુબાજુના 50 ગામના લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે રાત્રીના સમયે ફરજ પરના મેડિકલ ઓફિસર લોકેશ મિતલ હાજર હતા. CHCના પટવાળાએ ટેલિફોન પર મેડિકલ ઓફિસરને મીડિયાની ટિમ પોહચ્યાની વાત કર્યા બાદ પહેલા મેડિકલ ઓફિસર ઘરે છે તેમ કહેનાર પટાવાળાએ બાદમાં કહ્યું હતું કે સાહેબ સરપંચની માતા બીમાર હોવાથી ત્યાં ગયા છે. જોકે અમે સરપંચને ફોન કરતાં પહેલાથી મેડિકલ ઓફિસરે તમામ હકીકતની જાણ કરી હોવાથી સરપંચે ગોળગોળ જવાબ આપ્યો હતો. જેથી પ્રતીત થતું હતું કે મેડિકલ ઓફિસર કોઈની સારવાર માટે બહાર ગયા નથી પણ તેઓ તેમના ઘરે છે.

ઓલપાડના CHC કેન્દ્ર પર શરૂઆતમાં લાગ્યું કે બધું ભગવાન ભરોસે ચાલે છે. પરંતુ જ્યારે સ્ત્રી વોર્ડમાં મોટી સંખ્યામાં સ્ત્રી દર્દી અને તેમના સગાસંબંધી જોવા મળ્યા. અમે કેસ કાઉન્ટર પર તપાસ કરીતો મહિલા ગાયનેક તબીબ હાજર મળ્યા. તેઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, તમામ પ્રકારની સારવાર 24 કલાક અપાય છે. ત્યારે અન્ય એક ઓલપાડના સાંધીએર ગામે આવેલ CHC કન્દ્રના મુખ્ય ગેટ પર તાળા જોવા મળ્યા. એટલે કે સાંધીએર ગામે આવેલ CHC કેન્દ્ર પર રાત્રે કોઈ ઇમરજન્સીમાં દર્દી આવે તો તેણે વધુ સારવાર માટે કાંતો ઓલપાડ કે પછી સુરત જવું પડે એટલે ત્યાં સુધીમાં દર્દીની હાલત દયનિય બની જાય. ત્યારે આવા તો જિલ્લામાં કેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર હશે. જ્યાં રાત્રે ડોક્ટર હાજર નહીં હોય પણ રાજ્યમાં બધું ભગવાન ભરોસે ચાલી રહ્યું છે.

જામનગરના જાંબુડા ખાતે આવેલ CHC સેન્ટર ખાતે હોસ્પિટલના સુપ્રિટેન્ડ સહિત એક નર્સ અને અન્ય બે કર્મચારીઓ સહિત ચારનો સ્ટાફ ઇમરજન્સી સેવા માટે હાજર જોવા મળ્યો હતો. જ્યારે જાંબુડા ખાતેનું સીએચસી સેન્ટર પર આજુબાજુના નવથી દસ ગામના અંદાજે 45થી 50 હજાર લોકો ચોવીસ કલાક સારવાર મેળવતા હોય છે. ત્યારે તેમના માટે એક મોટી અને એક મિની બે પ્રકારની એમ્બ્યુલન્સની સેવાઓ પણ ખાસ રાખવામાં આવી છે. જામનગરમાં કુલ 9 જેટલા CHC સેન્ટર આવેલા છે. ઉપરાંત CHC સેન્ટરની અંદર ઇમરજન્સી સારવારથી લઈને અકસ્માત સુધીની કોઈ પણ ઘટનાઓ બની રહી તેને પહોંચી વળવા માટે તમામ પ્રકારના વિભાગો અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો, તેમાં લેબોરેટરી સહિતની તમામ સંપૂર્ણ સુવિધાઓ પણ જોવા મળી હતી.

ધનસુરા ગામે આવેલા CHC કેન્દ્ર ઉપર વોચમેન અને નર્સ હાજર જોવા મળ્યા હતા. જ્યારે મેડિકલ ઓફિસરની તપાસ કરતા મેડિકલ ઓફિસર CHC પર હાજર હતા અને તેમની ઓફિસની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. જ્યારે બાબતે નર્સને પૂછતાં તેને જણાવ્યું હતું કે ડોકટર છે તે ઓપીડી સમયે હાજર રહે છે. બાકીના સમયે કવોટર્સ પર રહે છે. રાત્રે પણ તેઓ ઘરે રહે છે. ઇમરજન્સી કેસ હોય તો તેમને કોલ કરીને બોલાવવામાં આવે છે.

કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા મલાવ ખાતે આવેલ CHC સેન્ટર આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દી માટે આશીર્વાદ રૂપ આરોગ્ય કેન્દ્ર તો છે. જેમાં આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશતા અંદર બે કર્મચારી જોવા મળ્યા. જેમાં પ્રથમ મલાવ આરોગ્ય કેન્દ્રના રાત્રી ફરઝ પરના વોર્ડ સાથે વાત કરતા રાત્રીના સમયે ફરઝ પર પોતે અને એક મહિલા નર્સ તથા ડ્રેસર હાજર હોવાનું જાણવા મળ્યું. આગળ જતા પોતાની કેબીનમાં બેઠેલા મહિલા નર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે મોડી રાત્રે ફરઝ પરના કર્મચારીઓ તો હાજર છે. પરંતુ ડોક્ટર પોતાના ક્વાટર્સમાં છે.

અહીંયા સવાલ ઉભો થાય છે કે રાત્રીના સમયે ફરજ પર ડોક્ટરને હાજર રહેવાનું હોવા છતાં દર્દીઓને ભગવાન ભરોસે છોડીને ડોક્ટર ઘરે જતા રહે છે. જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે ડોક્ટરને ઘરેથી આવતા સમય લાગે અને દર્દીને કઈ થઈ જાય તો જવાબદારી કોની? ત્યારે CHCનું રિયાલિટી ચેક કર્યા બાદ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, સરકારના લાખો રૂપિયાનો પગાર લેનારા મેડિકલ ઓફિસર રાત્રી દરમિયાન ફરજ ઉપર હાજર રહીને લાપરવાહી દાખવી સરકારની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગના 24 કલાક મેડિકલ સેવા ઉપલબ્ધ હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

(5:07 pm IST)