Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગુજરાતમાં પ વર્ષમાં ૪૦૪ કરોડનો વિદેશી દારૂ ઝડપાયોઃ સરકાર સતાના 'નશા'માં બેદરકાર?

બુટલેગરો બન્યા બેફામઃ વિધાનસભામાં શૈલેષ પરમારની તડાપીટ : પ વર્ષમાં બળાત્કારના ૪૩૭૫ બનાવોઃ ૩૧૩૦ ચીલઝડપઃ ૨૭૫૧૭ અપહરણ

અમદાવાદ, તા.૧૯: વિધાનસભામાં  ગૃહ વિભાગની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્યશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગૃહમાં જયારે શાસક પક્ષના સભ્યશ્રીઓ બોલતા હોય ત્યારે એ સરકારની સારી કામગીરીની વાત કરતા હોય અને વિપક્ષના સભ્યો જયારે બોલતા હોય ત્યારે તેમને સરકારની કંઈક ઉણપ લાગતી હોય કે ખોટ લાગતી હોય તે માટે ચર્ચા કરતા હોય છે.

શ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, રાજયમાં દારૂબંધી પ્રવર્તતી હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ કયા સંજોગોમાં પકડાયો ? રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં વિદેશી દારૂની ૩ કરોડ ૧૩ લાખ ૪૦ હજાર ૭૨૫ બોટલ પકડાય એટલે રૂ. ૪૦૩ કરોડ ૯૫ લાખ કરતાં પણ વધારાની રકમનો દારૂ પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો. આવી જ રીતે બિયરની બોટલો રૂ. ૬૬ કરોડ ૮૫ લાખ કરતાં વધારેની ૬૬ લાખ ૧૩ હજાર કરતાં પણ વધારે બોટલો પકડાઈ. દેશી દારૂ રૂ. ૯ કરોડ ૨૯ લાખનો ૪૬ લાખ ૭૧ હજાર લિટર જેટલો પકડાયો. પોલીસ દ્વારા જે રેડો પાડવામાં આવી કે ગુનેગારોને પકડવામાં આવ્યા તે દેશી દારૂના કેસોમાં ૫ લાખ ૮૨ હજાર ૫૬૪ કેસ કરવામાં આવ્યા. વિદેશી દારૂના કેસો ૯૦,૧૬૨ કરવામાં આવ્યા અને ખાલી દારૂ નહીં, ૨૮,૨૩૯ વ્યકતિઓ અને તેની સાથે દારૂની હેરાફેરી કરતા ૭,૩૭૦ વાહનો પણ પકડાયા. આટલી મોટી સંખ્યામાં દારૂ, વ્યકતિઓ અને વાહનો પકડાય છે છતાં પણ આટલી મોટી સંખ્યામાં દારૂ ગુજરાતમાં આવે છે કયાંથી ?

 ૨૦૧૩-૧૪માં ૪૮ લાખ ૭૧ હજાર વિદેશી દારૂની બોટલો પકડાઈ, કાયદામાં ૧૦ વર્ષની સજાની જોગવાઈ અને પાંચ લાખના દંડની જોગવાઈ કરી તેમ છતાં ૨૦૧૭-૧૮માં ૭૭ લાખ ૮૨ હજાર એટલે ૩૦ લાખ કરતાં વધુ બોટલો વધારે પકડાઈ. કાયદો ઘડયા પછી, કાયદાનો અમલ થયા પછી પણ બુટલેગરોને જે ડર હોવો જોઈએ એ ડર ઓછો હોવાને કારણે આટલી સંખ્યામાં વિદેશી દારૂની બોટલ પકડાઈ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સાત વાગ્યા પછી તમામ ધારાસભ્યો કે જેના વિસ્તારમાં દારૂનો ધંધો ચાલતો હોય ત્યાં સાથે રેડ પાડીએ તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ થશે.

શ્રી પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકાર મહિલાઓની ચિંતા કરે છે, મહિલા સશકતિકરણની વાતો કરે છે, બેટી બચાવો-બેટી પઢાઓની વાતો કરે છે, પરંતુ રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારના ૪,૩૭૫ બનાવો બન્યા, જે ૨૦૧૩-૧૪ના પ્રમાણમાં ૧૮૩ બનાવો વધારે બન્યા છે. એવી જ રીતે અપહરણના બનાવો ૨૦૧૩-૧૪માં ૫,૨૯૧ બન્યા હતા, જે ૨૦૧૭-૧૮માં વધીને ૫,૫૨૯ થયા એટલે ૨૩૮ બનાવોનો વધારો થયો. અપહરણના કુલ ૨૭,૫૫૭ બનાવો નોંધાયા છે. રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨,૪૦૮ સગીર દીકરીઓ ઉપર બળાત્કાર થયેલ છે અને સામુહિક બળાત્કારના ૯૬ બનાવો બન્યા છે. વર્ષ ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં રાજયમાં સગીર વયની મહિલાઓને ભગાડી જવાના ૧૦,૩૪૫ બનાવો બન્યા છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં ચેઈન સ્નેચીંગના બનાવો ૩,૧૩૦ બન્યા હતા, જેમાં ૧૫૨ બનાવોનો વધારો નોંધાયો છે. મહિલાઓની છેડતીના બનાવો ૨૦૧૩-૧૪માં ૧,૨૯૭ બન્યા હતા, એ ૨૦૧૭-૧૮માં ૧,૩૩૫ નોંધાયા છે. ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮માં ૬,૩૦૦ જેટલા બનાવો મહિલાઓની છેડતીના બન્યા છે.

(3:24 pm IST)