Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

SRP વિભાગના વડાની વ્યકિતગત મુલાકાત માટે પત્ર વ્યવહારમાં વપરાતા 'ઓર્ડલી રૂમ' શબ્દના બદલે 'રૂબરૂ મુલાકાત' શબ્દ વપરાશે

બદલી કે વ્યકિતગત રજુઆત માટે સમય માંગવા વપરાતા આ શબ્દમાં કયાંક 'ગુલામી'નો ગુઢાર્થ સમાયેલો છેઃ શમશેરસિંઘનો આવકારદાયી હુકમ : સતાવાર રીતે નાબુદ અંગ્રેજના જમાનાની ઓર્ડલી (ઓફીસરના હુકમના આધીન કર્મચારી) પ્રથા 'ઓફ ધી રેકોર્ડ' હજુ પણ પોતાના અંગત કામો માટે અપનાવતા અધિકારીઓએ વિચારવુ રહયું

રાજકોટ, તા., ૧૯: રાજયના હથીયારી  એકમોના એડીશ્નલ ડાયરેકટર જનરલ ડો.શમશેરસિંઘ દ્વારા એક આવકારદાયક  હુકમ કરવામાં આવ્યો છે. તેમના હેઠળના રાજય અનામત પોલીસ દળ (એસઆરપી)ના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના વિભાગના વડાની અંગત મુલાકાત માટે સમય માંગતા પત્ર વ્યવહારમાં વપરાતા 'ઓર્ડલી રૂમ' શબ્દનો ઉપયોગ બંધ કરી 'રૂબરૂ મુલાકાત' શબ્દનો ઉપયોગ કરવા લેખીત પરીપત્ર કર્યો છે.

'ઓર્ડલી'... ઓર્ડલી શબ્દ અંગ્રેજી હુકુમતના સમયથી વપરાતો આવ્યો છે. ઓર્ડલીનો અર્થ થાય છે.. 'હુકમને આધીન'.   આ શબ્દમાં કયાંક ને કયાંક ગુલામીનો ગુઢાર્થ છુપાયેલો મળે છે. સંભવત આ કારણોસર  ડો. શમશેરસિંઘે  સતાવાર રીતે  પત્રવ્યવહારમાં વપરાતો 'ઓર્ડલી રૂમ' શબ્દ રદ કરવાનું વલણ અખત્યાર કર્યાનું સમજાય છે. આ પગલું સ્તુત્ય અને આવકારદાયી છે.  એસઆરપી સિવાયના પોલીસ ફોર્સમાં પણ આ અમલ કરવો જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે અંગ્રેજ કાર્ડની ગુલામી રૂપ ઓર્ડલી પ્રથા હેઠળ ઉચ્ચ અધિકારીઓ પોતાના બંગલે રાજયશ્રીત કર્મચારીઓની  ફૌજ આજે પણ બીન સતાવાર રીતે કામે લગાવતા રહયા છે. આઇપીએસ કક્ષાના અધિકારીઓના બંગલે પ થી વધુ નહિ તેમનાથી  નીચેની કેડરના અધિકારીઓના બંગલે ૩ થી વધુ નહિ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના બંગલો ઉપર બે થી વધુ કર્મચારીઓને તૈનાત નથી કરી શકાતા છતા પણ ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના બંગલે નાના પોલીસ કર્મચારીઓની ફૌજને ખડેપગે રાખવામાં આવતી હોય છે. જો કે ઓન રેકોર્ડ  આવા કર્મચારીઓની ડયુટી જે તે પોલીસ સ્ટેશનમાં દર્શાવાતી હોય છે. રાજયાશ્રીત  પોલીસ કર્મીઓનો પોતાના પત્ની અને બાળકોને લેવા-મુકવામાં, ખરીદી કરવા સહિતના નાના-મોટા કામોમાં ઉપયોગ કરવો એ ગેરકાયદે છે. આવા અધિકારીઓએ શમશેરસિંઘ દ્વારા  થયેલા હુકમમાંથી કાંઇક શીખ લેવી જોઇએ તેવી ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

(3:23 pm IST)