Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જે.પી.નડ્ડા ગુજરાતમાં: સ્વાગત-શ્રેણીબધ્ધ બેઠકોઃ કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતે

અમદાવાદ, તા.૧૯: ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે પત્રકારોને  જણાવ્યુ હતુ કે, આજે શુક્રવારે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાજય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ અગ્રણીશ્રીઓ સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ બપોરે ૩.૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રી જે.પી.નડ્ડાજીનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરશે.

જે.પી.નડ્ડાજીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે ૪.૦૦ વાગ્યાથી ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વિવિધ પ્રકારની બેઠકો યોજાશે. જેમાં, ભાજપા પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણીઓ, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખો, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેન ઉપસ્થિત રહેશે.

શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી તારીખ ૨૦ જુલાઇ, ૨૦૧૯ના રોજ નર્મદા ડેમ ખાતે આવેલ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લેશે, ત્યાં મધ્ય ગુજરાતના ભાજપાના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીનું સ્વાગત તથા અભિવાદન કરશે.

(1:09 pm IST)