Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગુજરાત પોલીસ તંત્રમાં ઐતિહાસિક પ્રયોગ હથીયારધારી પીએસઆઇને બઢતી આપી વિવિધ પોલીસ મથકો ફાળવાયા

હથીયારધારી (આર્મ્સ યુનીટ)ના અધિકારીઓને પોલીસ તંત્રમાં બઢતી અપાતી નથી : સુરત પોલીસ કમિશ્નરનો આ પ્રયોગ સફળ થયે રાજયભરમાં અમલી બનશે

રાજકોટ, તા., ૧૯:  ગુજરાતના પોલીસ તંત્રના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત એક અનોખા પ્રયોગનો સુરતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ સફળ થયે ગુજરાતભરમાં તેનો અમલ કરવા ગૃહ મંત્રાલય અને સંબંધક વિભાગ દ્વારા ગંભીરતાથી વિચારાઇ રહયાનું સુત્રો જણાવે છે. હથીયારધારી  એકમના પીએસઆઇને હથીયારધારી પીઆઇ તરીકે બઢતી આપી  તેઓને સુરતના વિવિધ પોલીસ મથકોમાં એટેચ તરીકે મુકતો હુકમ સુરતના પોલીસ કમિશ્નર દ્વારા થયાનું સુત્રો જણાવે છે.

જે પોલીસ સબ ઇન્સ્પેકટરોને બઢતી આપી પોલીસ હેડ કવાર્ટરમાંથી પોલીસ મથકો ફાળવાયા છે તેમાં આર.સી.યાદવને ઉમરા પોલીસ સ્ટેશન, એમ.કે.રબારીને અઠવા લાઇન્સ પોલીસ મથક, રાકેશ એમ.ચૌધરીને લીંબાયત પોલીસ સ્ટેશન તથા ઉપેન્દ્ર જે. પટેલને વરાછા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા અને બઢતી પામેલા હથીયારધારી પીઆઇઓને એટેચ તરીકે ફરજમાં મુકવાની સાથે પોલીસ સ્ટેશનની રોજીંદી ઇન્વેસ્ટીગેશન સિવાયની તમામ કામગીરી અને ખાસ કરીને બંદોબસ્તની ફરજમાં ઉપયોગ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યાનું સુત્રો જણાવે છે. માઉન્ટેડ શાખાની વધારાની તમામ કામગીરી સીનીયર એએસઆઇ સુરત શહેરે  સંભાળવા માટે પણ પોલીસ કમિશ્નર દ્વારા આદેશ આપ્યાનું સુત્રો વિશેષમાં જણાવે છે.

(11:39 am IST)