Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગુરુ પૂર્ણિમા પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં હરિભક્તોનું ઘોડાપૂર

માનવ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા 77 લાભાર્થીઓને સહાય: થેલેસેમીયા દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પમાં 80 રક્તદાતાઓએ કર્યું રક્તદાન.

મણીનગર : ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે. 

ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં ગુરુપૂર્ણિમાના મહત્  પર્વે દેશ-વિદેશથી હજારો હરિભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ શણગાર આરતીમાં શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને અનેકવિધ પુષ્પોનો શણગાર - વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શિબિકામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને બિરાજમાન કરી નિરાજન કરવામાં આવી હતી. આ અવસરે વિશ્વ પ્રસિદ્ધ સ્કોટિશ પાઈપ બેન્ડ મણિનગરના યુવા ભક્તોએ ભક્તિ સૂરાંજલી રેલાવી હતી. શ્રી સ્વામિનારાયણ છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ ગણવેશમાં લાઈન સર જોડાયા હતા. મંદિરના મુખ્ય પગથિયાંમાં ગુરુપૂર્ણિમા અંકિત રંગોળી સજાવી હતી. દેશ-વિદેશના હજારો હરિભક્તો આ શોભાયાત્રામાં જોડાવાનો લાભ લીધો હતો.

મુક્તજીવન ઓડિટોરિયમમાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. પાદુકા પૂજન, પુષ્પની ચાદર અર્પણ, સુવર્ણ મુગટ અર્પણ, નિરાજન, સંતો ભક્તોના ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહિમા ગુણાનુવાદ, થેલેસેમિયાના દર્દીઓ માટે ૮૦ બોટલોનું રકત દાતાઓએ કરેલ રક્તદાન તેમજ માનવ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ વગેરે અનેકવિધ અધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયા હતા. જેને માણવા માટે હજારોની સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જાણે કે ગુરુભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

 

(10:47 pm IST)