Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં ચાંદીપુરમાં વાયરસથી મોત બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ

ગોધરા: મધ્ય ગુજરાતમાં દર વર્ષની જેમ આ વખતે પણ ચાંદીપુરમ વાયરસએ દેખા દીધી છે. વડોદરાના ભાયલી ગામની બાળકીના મોત બાદ પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ હરકારમાં આવ્યું છે અને વાયરસ વધુ ન ફેલાય તે માટે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં દવા છટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન પ્રથમ વરસાદ બાદ ભેજયુકત વાતાવરણમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ ચાંદીપુરમ વાયરસ વધુ ફેલાતો હોય છે. ત્યારે તેને લઈને વડોદરાના ભાયલી ગામે ૧ બાળકીનું મોત નિપજ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં પણ આ વાયરસ ભૂતકાળમાં વધુ વકર્યો હતો અને તેને લઈને મોતની સંખ્યામાં પણ વધારો નોધાયો હતો.

પંચમહાલ જિલ્લામાં 2010 વર્ષ દરમિયાન ચાંદીપુરમના 4 કેશ સામે આવ્યા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા 2013માં એક કેસ સામે આવ્યો હતો. જે બાદ સૌથી વધુ 2014 વર્ષ દરમિયાન પાંચ કેસ સામે આવ્યા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. ત્યારે હાલ ચાલુ વર્ષ દરમિયાન ચાંદીપુરમના 2 શંકાસપદ કેસ સામે આવ્યા છે. ત્યારે આ વર્ષે આ વાયરસ પંચમહાલ જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે જીલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલા કાચા મકાનો ધરાવતા વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ કાચા મકાનોમાં રહેલી તિરાડો કે જ્યાં આ વાયરસની માખી ઉદભવે છે તે તિરાડોને પુરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જીલ્લામાં અગાઉના વર્ષોમાં તમામ તાલુકાઓમાં આ વાયરસને લઈને બાળકોના મોત નિપજી ચુક્યા છે.

આ વર્ષે આ વાયરસને લઈને બાળકોના મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને આ વાયરસના ફેલાવા તેમજ તેને રોકવા માટેની સાવચેતી અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. સેન્ડ ફલાય નામની માખી થી ફેલાતો આ રોગ 0 થી 14વર્ષ ના બાળકોમાં જોવા મળે છે સેન્ડ ફ્લાય નામની જીવલેણ  માખી ગ્રામ્ય વિસ્તારના ગાર લીપણ વાળા ઘરોની દીવાલ ની  તિરાડોમાં અને છિદ્રો માં જોવા મળે છે.

(5:18 pm IST)