Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સંજીવ ભટ્ટનો ફેંસલો જાહેરઃ 'ડરાવવાની રાજનીતિથી ગભરાઇને હું ગુજરાત નહિ છોડું કે નહિ લડાઇ છોડું'

સુરક્ષાચક્ર હટાવવાનો મામલોઃ પુર્વ આઇપીએસે સીએમને ૩ પાનાનો પત્ર લખ્યો જયારે શુભચિંતકોની ચિંતાનો સોશ્યલ મીડીયા દ્વારા પ્રત્યુતર આપ્યો : તંત્ર કહે છે કે રિવ્યુ સમીક્ષા મુજબ નિર્ણયઃ વિપક્ષો આ પ્રશ્ન લોકસભામાં ઉઠાવે તેવી સંભાવના

રાજકોટ, તા., ૧૯: વિવાદો જેનો પીછો છોડતા નથી તેવા એક સમયના ૧૯૮૮ બેચના પુર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને રાજય સરકાર સંજીવ ભટ્ટ તથા તેમના પરિવારની સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચી લેવાના મામલે સામસામે આવી ગયા છે. આ મામલો લોકસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉઠાવે તેવી સંભાવના રાજકીય પંડીતો નિહાળી રહયા છે.

લાંબા સમય સુધી વગર રજાએ ગેરહાજર રહેવાના આરોપસર ર૦૧પમાં જેઓને ઘેર બેસાડવામાં આવેલ તેવા સંજીવ ભટ્ટ અને તેના પરિવારની સુરક્ષા અચાનક પાછી ખેંચી લેવામાં આવી છે. વાય કેટેગરીની સુરક્ષાના સ્થાને તેઓને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના પીએસઓની સુરક્ષા આપવામાં આવી છે. આ બાબતને સંજીવ ભટ્ટે ગંભીરતાથી લીધી છે.

ઉકત મામલે સંજીવ ભટ્ટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ૩ પાનાનો પત્ર લખી ઉચ્ચ પોલીસ અધિકારીઓને પાઠવેલ ર૪ જેટલા પત્રોનો તારીખ અને નંબર સાથે ઉલ્લેખ કરી પત્રમાં તે બાબતે રેફરન્સ આપવામાં આવ્યા છે.

સંજીવ ભટ્ટે મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં એવું જણાવ્યું છે કે તેઓ ગોધરાકાંડની તપાસના મામલામાં મહત્વના સાક્ષી છે. સુપ્રીમ કોર્ટમાં રાજય સરકારે પોતાને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવા આશ્વાસન આપેલ જે ખાત્રીનો આથી ભંગ થાય છે. તેઓએ વિશેષમાં જણાવ્યું છે કે પોતાને જામનગર અને અમદાવાદની વિવિધ કોર્ટમાં જુબાની આપવા જવું પડે છે તેવા સમયે તેમની તથા પરિવારના જાનનું જોખમ હોવાથી તેઓને બુલેટપ્રુફ કાર અને કમાન્ડોનું સુરક્ષાચક્ર મળવું જોઇએ તેને બદલે માત્ર એક પર્સનલ સિકયુરીટી ઓફીસર (પોલીસમેન) રાઉન્ડ ધ કલોક આપવામાં આવે છે. તેઓએ આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરેલ રજુઆતનો કોઇ પ્રત્યુતર મળ્યો નથી.

દરમ્યાન સંજીવ ભટ્ટે પોતાના મિત્રો અને શુભચિંતકો કે જેઓ તેમની ચિંતા કરે છે તેમને ટવીટર અને ફેસબુક મારફત જણાવ્યું છે કે મને ગુજરાત છોડી જવાની સલાહ આપવામાં આવે છે પરંતુ હું આવી ડરાવવાની રાજનીતિથી ગભરાઇને હું ગુજરાત નહિ છોડું, કે નહિ લડાઇ છોડું, લડાઇનો રસ્તો મેં પોતે જ પસંદ કર્યો છે અને તે માર્ગે જ આગળ વધીશ આમ સંજીવ ભટ્ટના ફેસબુક અને ટવીટર પર શુભચિંતકો અને મિત્રો માટેના સંદેશા વાયરલ થતા વિવાદ વકર્યો છે.

અત્રે એ યાદ રહે કે ર૦૧રની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુ-યમંત્રી હતા ત્યારે તેઓ અમદાવાદના મણીનગરથી ચુંટણી લડતા હતા તેવા સમયે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતાબેન કોંગ્રેસની ટીકીટ પર નરેન્દ્રભાઇ મોદી સામે ચુંટણી લડેલા. સુત્રોના કથન મુજબ સંજીવ ભટ્ટ ભુતકાળમાં પાલનપુર એસપી હતા ત્યારે એક જજને મદદ કરવાના મામલામાં વિવાદમાં ફસાયા હતા. જે મામલાની તપાસ આઇજી દરજ્જે નિવૃત થયેલા ડી.કે.ધગલ દ્વારા કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં તેઓ જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ હતા ત્યારે જેલમાં કેદીઓ પ્રત્યે માનવતા દાખવવાને કારણે તેમના પર આક્ષેપ થયેલ. જો કે એ સમયે જેલ કેદીઓએ સંજીવ ભટ્ટની પડખે ઉભા રહી ભુખ હડતાલની ચિમકી આપી હતી. આમ સંજીવ ભટ્ટનો વિવાદ પીછો છોડતો ન હોય તેવું વાતાવરણ સર્જાયું છે.

સંજીવ ભટ્ટની વિશેષ સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચવાના સર્જાયેલ વિવાદ સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એવો ખુલાસો કરે છે કે ચોક્કસ સમયે સિકયુરીટી વ્યવસ્થાનો રિવ્યુ થતો હોય છે અને તે રિવ્યું બાદની સમીક્ષા મુજબ સિકયુરીટી વ્યવસ્થામાં ફેરફાર કરાતો હોય છે. આ મામલામાં આ સિવાય બીજું કોઇ કારણ નથી.

(3:53 pm IST)
  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • આખરે અંબાજીમાં વરુણ દેવને રીઝવવાની પ્રાર્થના ફળી: 3 ઈંચ વરસાદ ખાબક્યો access_time 8:50 pm IST