Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

બિટકોઇન ટ્રાન્સફર પ્રકરણમાં CBI અને ED પણ તપાસ હાથ ધરશે

ડુમસરોડ સ્થિત આઇકોન બિલ્ડીંગમાં આવેલી શૈલેષ ભટ્ટની ઓફિસ CBIના રડારમાં હોવાની પણ ચર્ચા

સુરત તા. ૧૯ : સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ સહિત અન્ય આરોપીઓ દ્વારા રૂ.૧૫૫ કરોડના ૨૨૫૬ કરોડ બીટકોઈન ટ્રાન્સફર કરવાના મામલામાં સીઆઈડી ક્રાઈમ બાદ સંભવતૅં સીબીઆઈ અને ઈડીની પણ તપાસ હાથ ધરવામાં આવે તેવા સંકેતો સાંપડયા છે. બિલ્ડર શૈલેશ ભટ્ટની ડુમસ રોડ સ્થિત બિલ્ડીંગની ઓફિસ સીબીઆઈની રડારમાં મુકવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

સુરતમાં નોટબંધીના સમયગાળામાં બીટકોઈન,બીટ કનેકટ સહિતની અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરવાના એકથી વધુ ષડયંત્રનો પર્દાફાશ થવા પામ્યો છે. જેમાં તાજેતરમાં બીટકોઈન પ્રમોટર્સ પિયુષ સાવલીયા તથા ધવલ માવાણીનું અપહરણ કરી ગેરકાયદે ગોંધી રાખીને બળજબરીથી ૧૫૫ કરોડની કિંમતના ૨૨૫૬ બીટકોઈન ટ્રાન્સફર કરવાનો કારસા અંગે સીઆઈડી ક્રાઈમ સુરત ઝોનમાં ફરિયાદ નોંધાઈ છે.

જે ગુનામાં મુખ્ય સુત્રધાર મનાતા બિલ્ડર શૈલેશ ભટ્ટ આણી મંડળી વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમ બાદ હવે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ વિભાગ પણ સંભવિત હવાલા પ્રકરણની તપાસ હાથ ધરે તેવા સંકેતો સાંપડયા છે. બિલ્ડર શૈલેશ ભટ્ટની ડુમસ રોડ સ્થિત આઈકોન બિલ્ડીંગની પાંચમા માળે આવેલી ઓફિસ હાલ બંધ છે.વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ શૈલેશ ભટ્ટની ઉપરોકત ઓફિસ સહિત અન્ય ધંધાકીય સ્થળો પર સીબીઆઈની રડારમાં હોવાની વિગતો સાંપડી છે.

બીજી તરફ સીબીઆઈ સહિત એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ વિભાગ દ્વારા પણ સુરતમાં ક્રિપ્ટો કરન્સીના નામે થયેલા કરોડો રૂપિયાના હવાલા પ્રકરણની આગામી દિવસોમાં તપાસ હાથ ધરે તેવા સંકતો સાંપડયા છે. બીટકોઈન પ્રકરણમાં સંડોવાયેલા પ્રમોટર્સ દિવ્યેશ દરજી, સતીષ કુંભાણી, સંદિપ સહિતના અન્ય શખ્શો હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન રોકાણ કરાવીને અનેક લોકોને રાતે પાણીએ રોવડાવી વિદેશ નાસી ગયા છે.જેથી ક્રિપ્ટો કરન્સી માં લાખો રૂપિયાના નાણાંનું રોકાણ કરનાર સુરતના મોટા ગજાના વ્યવસાયીઓના વ્યવહારોની તપાસ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં.

(3:51 pm IST)