Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય : AMTSના કર્મચારીઓને હવેથી એએમસી પગાર ચૂકવશે

કોરોના કાળમાં AMTSને 12 કરોડ અને BRTSને 9 કરોડનું નુકસાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે,AMTSના કર્મચારીઓને હવેથી એએમસી પગાર ચૂકવશે. જો કે, પગાર આપવા માટે AMTSને AMC પાસેથી લોન લેવી પડતી હતી. દર વર્ષે AMTSને નુકસાન જતાં AMC પાસેથી પગાર કરવા માટે 350 કરોડ રૂપિયાની લોન લેવી પડે છે.

સ્ટેન્ડિંગ કમિટી તથા ટ્રાંસપોર્ટ કમિટીની વિનંતી ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા દર વર્ષે 837 કર્મચારીઓના પગાર પેટે 40 કરોડ અને પાંચ વર્ષ પાંચ માસના (2016-2021) અંદાજે 180 કરોડ AMTSને આપવામાં આવતી લોન પેટે જમા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMCના નાણાં ખાતા દ્વારા AMTSની લોન પેટે જમા કરવામાં આવશે. જેનાથી AMTSનું દર વર્ષે 40 કરોડની લોનનું ભારણ ઓછું થશે અને AMCનું વધશે.

જો કે, અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને કારણે 50 ટકા જેટલો મુસાફરો ઘટયા હતા. જેથી AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. જે હવે AMCના સત્તાધિશોના નિર્ણયથી ફરીવાર પાટા પર ચઢી જશે. સરકારે પણ રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં છે. ત્યારે AMCના સત્તાધિશોએ 14 જૂનથી AMTS અને BRTS બસ શરુ કરવાનો નિર્ણય લીધો હતો.કોરોનાને કારણે બંધ કરવામાં આવેલી બસોને હવે નિયમો સાથે 50 ટકા કેપેસીટી સાથે દોડાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(11:50 pm IST)