Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ચણા માટે ૩.૭૧ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી, વેચ્યા માત્ર ૧.૩૬ લાખ ખેડૂતોએઃ ખરીદીની મુદત ૬ જુલાઇ સુધીની

હવે મુખ્યત્વે રાજકોટ-અમરેલી જિલ્લામાં ખરીદી બાકીઃ ર૭૧પ૪ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચ્યા

રાજકોટ તા. ૧૯: રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ચણાની ખરીદીમાં આંશિક લોકડાઉનના કારણે વિક્ષેપ પડતા થોડા દિવસ મુદત વધારી આપવામાં આવેલ છે. ર૪ જૂન સુધીની ખરીદીની મુદત હતી તે વધારીને ૬ જુલાઇ સુધીની કરવામાં આવી છે. જો કે પુરવઠા નિગમે ૩૦ જૂન સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ રાજકોટ, અમરેલી સહિત બે-ત્રણ જિલ્લામાં જ ખરીદી બાકી હોવાથી ૩૦ ખરીદ કેન્દ્રો ચાલુ રખાયા છે. ટેકાના ભાવે ઘઉં વેચવા ૭ર૩૬૩ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ જેમાંથી અત્યાર સુધીમાં પ૩પ૩ર ખેડૂતોને બોલાવાયેલ તે પૈકી ર૭૧પ૪ ખેડૂતોએ ઘઉં વેચ્યા છે. ચણા માટે ૩,૮૧,૯૧૪ પૈકી ૩,૭૧,૧ર૯ ખેડૂતોની નોંધણી માન્ય રહેલ અત્યાર સુધીમાં ૩,૧૭,૪૬૧ ખેડૂતોને મેસેજ મોકલાયેલ જેમાંથી ૧,૩૬,૩૪પ ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચ્યા છે. ૮૧૬ ખેડૂતોનાં ચણા માન્ય રહ્યા નથી. ૬૬૮૧પ લાખની ખરીદી સરકારે કરી લીધી છે. ૯૭૬૬પ ખેડૂતોને નાણા ચૂકવાઇ ગયા છે. ઘણા ખેડૂતોએ સરકારી પરોજણમાં પડવાના બદલે ખાનગી રાહે ચણા વેચવાનું યોગ્ય માન્યું છે.

(3:27 pm IST)