Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વડોદરામાં મહિલા પોલીસકર્મીઓ પોતાના બાળકો સાથે કરી શકશે ડ્યુટી :બાળકો માટે ચિલ્ડ્રન રૂમ તૈયાર કરાયા

બાળકોને રમવા માટે રમકડાં, તેને ગમે તેવા કાર્ટુન વાળા સ્ટીકર તેમજ બાળકો રમવાની સાથે ભણી શકે એવા પણ સ્ટીકર લગાવ્યા

વડોદરામાં મહિલા પોલીસ કર્મીઓ પોતાના બાળકો સાથે ડ્યુટી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તો તેઓને તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે સયાજીગંજ પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનોમાં ચિલ્ડ્રન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને રમવા માટે રમકડાં તેમજ બાળકો ને ગમે તેવા કાર્ટુન વાળા સ્ટીકર તેમજ બાળકો રમવાની સાથે ભણી શકે એવા પણ સ્ટીકર લગાવ્યા છે. ચિલ્ડ્રન રૂમને રંગબેરંગી ગુબ્બારા અને પટ્ટીથી શણગારવામાં આવ્યો છે.
  પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચિલ્ડ્રન રૂમ તૈયાર કર્યો છે, જેનાથી પોતાના બાળકોને અહીં મૂકીને મહિલા કર્મચારીઓ પોતાની ફરજ વ્યવસ્થિત બજાવી શકે છે.
અત્રે નોંધનીય છે કે રાજ્યમાં મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના બાળકો સાથે ફરજ બજાવતા અનેક અહેવાલો મીડિયા માં આવ્યા હતા અને ઘણા કિસ્સામાં મહિલા પોલીસ કર્મચારી પોતાના બાળકને ઘરે એકલા મૂકી ફરજ પર આવવા મજબૂર હોય છે, ત્યારે તેમને પોતાના સંતાન ની ચિંતા રહેતી હતી અને પૂરેપૂરું ધ્યાન કામ પર રહેતુ ન હોઈ, વડોદરા પોલીસે મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ ચિલ્ડ્રન રૂમ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેથી મહિલા પોલીસ કર્મચારીઓ પૂરા એકાગ્રતાથી કામમાં ધ્યાન આપી શકે તેવો અભિગમ અપનાવવામાં આવતા મહિલા પોલીસ કર્મીઓ માં ખુશી જોવા મળી રહી છે અને હવે ચિંતા મુક્ત થઈ ફરજ બજાવી રહ્યા છે.

(12:21 pm IST)