Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદ જિલ્લાના ૮૦ ભુમાફીઆ સામે અલગ- અલગ ૧૯ કેસમાં ૧૯ FIR નોંધી ફોજદારી કાર્યવાહી

જિલ્લાની ૧૬૦૬.૧૪ કરોડની કુલ ૫,૬૭,૬૫૯ ચોરસ મીટર જમીન ભૂમાફીઆના સકંજામાંથી મુક્ત કરાવવા કાર્યવાહી :સરકારી-ખાનગી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ

અમદાવાદ : જિલ્લા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમિટીએ જિલ્લાના ૮૦ ભુમાફીઆ સામે અલગ અલગ ૧૯ કેસમાં ૧૯ FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરાઈ છે  અમદાવાદમાં ૨૦૨૧માં લેન્ડ ગ્રેબિંગના જન્યુઆરીમાં ૫ કેસ, માર્ચમાં ૩ કેસ અને મેમાં ૮ કેસ દાખલ થતા કુલ ૧૬ FIR નોંધવામાં આવી હતી.

 બેઠકમાં કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્ય 3 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના હેઠળ FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૨૧માં લેન્ડ ગ્રેબિંગના ૧૯ કિસ્સામાં ૧૧ સરકારી જમીન અને ૮ ખાનગી જમીન ભુમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. જેમા ખાનગી જમીનના કિસ્સામાં ૨૮ ભુમાફીઆ અને સરકારી જમીનના કિસ્સામાં ૫૨ ભુમાફીઓ સામે ફોજદારી કાર્યવાહી આદરી છે.

૧૧૧૯.૦૭ કરોડની ખાનગી માલીકીની ૨૯૮૬૯૫ ચો.મી. જમીન અને ૪૮૭.૦૭ કરોડની ૨૬૮૯૬૪ ચો.મી. સરકારી જમીન મળી અમદાવાદ જિલ્લાની કુલ ૧૬૦૬.૧૪ કરોડની ૫,૬૭,૬૫૯ ચો. મી. જમીન ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. કલેકટરએ કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા ૨૦૨૦ અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

(12:36 am IST)