Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમદાવાદમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી 818 સુપર સ્પ્રેડર્સએ વેક્સિન લીધી

ઓન ધ સ્પોટ ડ્રાઇવ શરૂ: તમામ સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા લોકોનું વેકસીનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ

અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતાના અધિકારીઓ અને પોલીસ ખાતાના અધિકારીઓ ભેગા મળીને શહેરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીના લોકોનું વેક્સિનેશન કરવાની ઝુંબેશ શરૂ કરી છે,સુપર સ્પ્રેડર્સનું કોરોના વેકસીનેશન શરૂ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ ડ્રાઇવ શરૂ કરાઈ છે

આજે 818 સુપર સ્પ્રેડર્સ એ વેક્સિન લીધી છે.જેમાં સૌથી વઘુ ઉત્તર ઝોનમાં 188 લોકોએ રસી લીધી છે. જ્યારે ત્યાર બાદ મધ્ય ઝોનમાં 182 દક્ષિણ ઝોનમાં 174, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 110,પૂર્વ ઝોનમાં 85,પશ્ચિમ ઝોનમાં 42 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 32 લોકોએ વેક્સિન લીધી છે. સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં 18થી44વર્ષમાં 784 લોકોએ વેક્સિન લીધી જ્યારે 45 વર્ષથી વધુના 34 લોકોએ વેક્સિન લીધી છે.

અમદાવાદ શહેરમાં દૂધ વેચનારા, ફેરિયાઓ, કરિયાણાવાળા, ખાણી પીણી બજારવાળા, ફૂડ ડીલીવરી બોય, રિક્ષાચાલકો, કેબચાલકો, શોપિંગ મોલના કર્મચારીઓ, શોપિંગ કોમ્પલેક્ષના કર્મચારીઓ, રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને સ્વ રોજગારી મેળવતા કારીગરો સહિત સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં નિયત કરેલા લોકોનું વેકસીનેશનનું પ્લાનિંગ કરાયુ છે જેમાં એક પ્લાન એવો છે જે સુપર સ્પ્રેડર્સ લોકો છુટાછવાયા કામ કરે છે. આ ઉપરાંત જે મોટા માર્કેટ, શોપિંગ મોલ સહિતના સ્થળોએ પોલીસને સાથે રાખી વન ટુ વન વેકસીનેશનનું આયોજન કરાયુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટર દ્વારા તાજેતરમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં સુપર સ્પ્રેડર્સ માટે વેકસીન અથવા કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ વેપાર કરી શકે તેવું જાહેરનામું કરાયું હતું પણ અમદાવાદ સીટી માટે હજુ આવું જાહેરનામું થયું નથી પણ સુપર સ્પ્રેડર્સનું ઓન ધ સ્પોટ વેકસીનેશન શરૂ કરાયું છે. વેકસીનનો સ્ટોક મોટા પ્રમાણમાં ઉપલબ્ધ બનશે એટલે સિટીમાં પણ સુપર સ્પ્રેડર્સ માટે વેકસીન ફરજિયાત કરી દેવાશે

(10:16 pm IST)