Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કોંગ્રેસ પાર્ટીએ માત્ર જનતાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે

નિષ્પક્ષ નિર્ણયો સામે ખોટા આક્ષેપો કરાયા છે : કોંગ્રેસ લોકતંત્રના મુલ્યોનું અનાદર કરી રહી છે : જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૧૯  : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' ખાતે ઇલેકટ્રોનિક મીડિયાને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ લોકસભા ચૂંટણીના પરિણામોને હજુ સુધી પચાવવા અસક્ષમ કોંગ્રેસ આજે રાજ્યસભાની ચૂંટણી બાબતે ભાજપા પર જુઠા આક્ષેપો કરી રહી છે. આ જાહેર જીવનમાં હાર કે જીતને ખેલદિલીથી સ્વીકારવાના બદલે હારની હતાશાઓથી ઘેરાયેલી કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર જુઠ્ઠા આક્ષેપો કરી લોકતંત્રના મૂલ્યોનો અનાદર કરી રહી છે. ગત ચૂંટણીઓમાં મળેલી કારમી હારને સ્વીકારી તેના કારણો શોધવાને બદલે કોંગ્રેસ ચૂંટણીપંચનું સંચાલન ભાજપા કરી રહી છે તેવા પાયાવિહોણા આક્ષેપો કરી છે, ત્યારે એક જવાબદાર પક્ષ તરીકે કોંગ્રેસે આ બાબતોને સાબિત કરવાની જરૂર છે. વાઘાણીએ જણાવ્યું હતું કે,  ચૂંટણીપંચ એક સ્વાયત સંસ્થા છે. જે બંધારણીય જોગવાઈઓને આધીન સ્વતંત્ર રીતે નિર્ણય લેતી હોય છે પરંતુ કમળા પીડિત કોંગ્રેસને બધું પીળું જ દેખાય તે સમજી શકાય એમ છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯નાં પરિણામો પછી કોંગ્રેસના નેતાઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગે છે. કોંગ્રેસ હારે એટલે ઈવીએમ પર આક્ષેપો કરે છે. સુપ્રીમકોર્ટ કે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓ પર દેશની જનતાને અને ભાજપાને પૂર્ણ ભરોસો છે. ભૂતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે, કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આવે તો સ્વીકાર્ય પરંતુ જો તેનાં વિરુદ્ધમાં ચુકાદો આવે તો બંધારણીય સંસ્થાઓ પર મનફાવે તેવા આક્ષેપો કરવા, જુઠ્ઠાણાંઓ ફેલાવવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે. આદતથી મજબુર કોંગ્રેસ દેશની સ્વાયતં સંસ્થાઓના નિષ્પક્ષ નિર્ણયો સામે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને માત્રને માત્ર દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, દેશની જનતાએ આશીર્વાદ અને અખંડ વિશ્વાસ મુકી પુનઃએકવાર નરેન્દ્ર મોદીને પૂર્ણ બહુમત સાથે દેશનું સુકાન સોંપ્યુ છે. ગુજરાતની શાણી અને સમજુ જનતાએ અતુટ ભરોસો રાખી ગુજરાતની સમૃધ્ધિ અને વિકાસ માટે ભાજપાને સત્તાના સુકાન સોંપ્યા છે. સામે કોંગ્રેસની જાતિવાદ, જ્ઞાતિવાદ, તૃષ્ટિકરણની રાજનીતિમાં થયેલા અબજોના ભ્રષ્ટાચારની હારમાળાઓ તથા પ્રજાવિરોધી કારનામાંઓને લીધે દેશ અને ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. આઝાદી બાદ વર્ષોથી દેશમાં સત્તા પર રહેલી કોંગ્રેસ આજે અસ્તિત્વ જાળવવાના બદલે તથા પોતાની હાર સ્વીકારવાને બદલે ખોટાં આક્ષેપો કરી પ્રજાને ગુમરાહ કરવાનાં કાવતરા કરે છે પરંતુ ગુજરાત અને દેશની જનતા કોંગ્રસના કાળા ચહેરાને સુપેરે ઓળખી ગઈ છે.

(9:13 pm IST)