Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

બે કરોડની ખંડણીના કેસમાં અયુબખાનના જામીન મંજૂર

વિવિધ શરતો સાથે સેશન્સ કોર્ટે જામીન આપ્યા : કુખ્યાત મહાલિંગમે જમીનદલાલ મહંમદ શોએબની હત્યા માટે બે શાર્પશૂટર મોકલ્યા હતા તે પૈકી ઐય્યુબખાન હતો

અમદાવાદ, તા.૧૯ : કુખ્યાત શિવા મહાલિંગમને ખંડણી પેટે રૂ. બે કરોડ નહીં ચૂકવી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનારા જુહાપુરાના જમીન દલાલ મહંમદ શોએબ શેખ ઉર્ફે ગોટીવાલા અને તેમના ભાઇ મોહંમદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુની હત્યા કરવા શિવાએ મોકલેલા બે શાર્પશૂટરની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા આરોપી ઐય્યુબખાન શરીફખાન પઠાણ ઉર્ફએ ઐય્યુબ રાયખડને અત્રેના એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોત્રાએ શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા અને અદાલતની પરવાનગી વિના દેશની હદ નહી છોડવા સહિતની શરતો સાથે રૂ.દસ હજારના શરતી જામીન ઐય્યુબખાન શરીફખાન પઠાણને આપ્યા હતા. ચકચારભર્યા ખંડણી અને હત્યાના કાવતરાના કેસમાં ઐય્યુબખાન શરીફખાન પઠાણ ઉર્ફએ ઐય્યુબ રાયખડ દ્વારા કરાયેલી જામીનઅરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને સિધ્ધાર્થ ખેસકાનીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કુખ્યાત શિવા મહાલિંગમે તેના બે શાર્પશૂટર સિકંદર લાંઘા અને મુસ્તુફા ઉર્ફે સમીર કઠિયારાને મોહંમદ શોએબ અને સજ્જુની હત્યા કરવા મોકલ્યા હતા, આ બંને શાર્પશૂટરને શિવાએ જેલમાંથી જ ચાર થી ૫ાંચ વખત ફોન કરીને હત્યા કરવા માટે મોકલ્યા હતા અને આ કાવતરામાં હાલના અરજદાર આરોપી ઐય્યુબખાન શરીફખાન પઠાણ સાથે પણ વાત થઇ હોવાનું ખૂલ્યું હતુ, જેને પગલે તેની પણ ધરપકડ કરાઇ હતી. અરજદારપક્ષ તરફથી સિનયિર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદારની કોઇ જ સંડોવણી નથી અને તેમછતાં પોલીસે તેને ખોટી રીતે આ કેસમાં ધરપકડ કરેલ છે. અરજદાર આ કહેવાતા હત્યાના ષડંયત્રમાં પણ સામેલ નથી, પોલીસે માત્ર અરજદારની શિવા સાથે વાતચીત થઇ હોવાના કારણસર જ અરજદારને આ કેસમાં સંડોવી દીધેલ છે. અરજદાર પાસેથી કોઇ હથિયાર પણ મળી આવ્યા નથી કે, તેની વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય પુરાવા નથી ત્યારે કોર્ટે આ કેસમાં અરજદારને જામીન પર મુકત કરવા જોઇએ.

અરજદાર જમીન અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા અને પરિવાર સાથે રહે છે ત્યારે જો તેમને જામીન પર મુકત ના કરાય તો તેમના બંધારણીય અધિકારો પર તરાપ પડે. આ સંજોગોમાં કોર્ટે તેમની જામીનઅરજી ગ્રાહ્ય રાખવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ઐય્યુબખાનના શરતી જામીન મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણેક મહિના પહેલા કુખ્યાત શિવા મહાલિંગમે મહંમદ શોએબ અને સજ્જુ પાસે રૂ.૫૦ લાખની ખંડણી માગી હતી. જોકે આ અંગે સજ્જુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શિવાએ રૂ.૫૦ લાખની જગ્યાએ રૂ.બે કરોડ માંગ્યા હતા. આ કેસમાં શિવા મહાલિંગમ સહિતના ચાર આરોપીઓ જેલમાં છે.

(8:25 pm IST)
  • ગુજરાત રાજયસભાની ચૂંટણી : સુપ્રિમે ચુંટણી પંચને નોટીસ પાઠવી : રાજકોટઃ ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે અલગ અલગ બેલેટ પેપરથી એક જ દિવસમાં બે વખત મતદાન કરાવવાની ચૂંટણીપંચની જાહેરાતને કોંગ્રેસ પક્ષે સુપ્રિમમાં પડકારી છે. કોંગ્રેસની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરી ચૂંટણી પંચને સુપ્રિમે નોટીસ પાઠવી છે. વિશેષ સુનાવણી આવતા અઠવાડીયે મંગળવારે હાથ ધરાશે access_time 1:06 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવો વળાંક : ભાજપમાં જોડાયેલા તમામ બાગીઓ ગેરહાજર : કોંગ્રેસના વ્હીપથી બચવા માટે સામાન્ય સભામાં ડોકાયા જ નહિં : કોંગીના ૧૮ જેટલા સભ્યોની હાજરીમાં સભા શરૂ access_time 1:07 pm IST

  • એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મામલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, સુખબીરસિંઘ બાદલ, શરદ પવાર, જગન રેડ્ડી, નીતિશકુમાર, ફારૂખ અબ્દુલ્લા, પાસવાન, ઓવૈસી સહિતના અગ્રીમ હરોળના નેતાઓની હાજરી : મમતા બેનર્જી ગેરહાજર રહ્યા access_time 6:09 pm IST