Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નવરંગપુરામાં પીજી હાઉસમાં યુવતી સાથે વિકૃતિભરી છેડતી

પીજી હાઉસમાં રહેનાર માટે ચેતવણીરૂપ કિસ્સો : ઘટનાની ગંભીરતા સમજીને તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઈ માનસિક વિકૃત યુવકને પકડવા પોલીસના ચક્રો ગતિમાન

અમદાવાદ,તા. ૧૯  : નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલનયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવકે હોલમાં સુતેલી યુવતીની વિકૃતિભરી રીતે છેડતી કરવાના બનાવને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, તા.૧૪ જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. તો બીજીબાજુ, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપી દીધી છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઇ છે. મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. આ ઘટનામાં પોલીસની સમજાવટ બાદ પીડિતાએ ફરિયાદ નોંધાવી છે અને જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ પીડિતાને સ્થળ પર લઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કમલનયન એપાર્ટમેન્ટના પીજી હાઉસમાં થયેલી છેડતી અંગેની એફઆઇઆર દાખલ થઇ ગઇ છે. પીજી હાઉસમાં સફાઈ કામ કરતી યુવતી ડ્રોઇંગ રૂમમાં સૂતી હતી. ત્યારે રાત્રીના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અજાણી વ્યક્તિ અંદર ઘૂસી ગઇ હતી અને છેડતી કરી હતી. જો કે, યુવતી ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો ન હતો. અન્ય યુવતીઓએ આ યુવકને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ તેણીને જાણ કરી હતી અને ફરિયાદ કરવા કહ્યું હતું, જોકે એ સમયે યુવતીએ ફરિયાદ કરવાની ના પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હવે આરોપી યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝોન-૧ના ડીસીપી પ્રવીણ મલએ જણાવ્યું હતું કે, પીજી હાઉસમાં મહિલાની છેડતી કરવાની ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આઇપીસીની કલમ-૩૫૪ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. સંચાલક ગેરકાયદે રીતે પીજી હાઉસ ચલાવતો હતો કે નહીં તે તપાસનો વિષય છે અને પોલીસને હજી સુધી આ અંગે માહિતી નથી. તપાસ બાદ નક્કી થઇ શકે કે પીજી ગેરકાયદેસર હતા કે કાયદેસર હતા. પોલીસની તમામ ટીમો સીસીટીવી ફૂટેજ, આરોપીનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે કાર્યવાહી કરી રહી છે. દરમ્યાન ઘટના અંગે પીજી સંચાલક સેની સિંહે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પીજી હાઉસ ચલાવે છે. તેમના પીજીમાં ૬૦થી ૬૫ યુવતીઓ રહે છે. કમલ-નયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સમાં જે પીજી હાઉસ છે તે કાયદેસર છે અને સોસાયટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છેકે હું પીજીનું કામ કરું છે અને પીજીનું કામ કરતો હોવાથી મેઇન્ટેનન્સ પણ નક્કી કરવામાં આવ્યું છે, એ પ્રકારે મેઇન્ટેનન્સ પણ આપું છે. જે ફ્લેટમાં આ ઘટના ઘટી છે, ત્યાં ૧૯ જેટલી યુવતીઓ રહે છે. ફ્લેટનો દરવાજો બંધ કરવા માટે એક વોર્ડન પણ રાખવામાં આવી છે. રાત્રે ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક યુવક સોસાયટીમાં આવ્યો અને કોમનમાં થોડીકવાર ઉભો રહ્યો. બાદમાં એ યુવક અમારા બી-૩માં ઉપર ગયો. જ્યાં દરવાજો ખોલ્યો અને ત્યાં સૂતેલી વોર્ડન સાથે શારીરિક અડપલા કર્યા હતા. તા.૧૪ જૂનના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી હતી. મહિલા ન જાગતા તેની હિંમત ખુલી ગઈ હતી અને ત્યાં જ તેણે હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં અંદર બે રૂમમાં જે ૧૯ યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછો કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો.

(7:43 pm IST)