Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મહુધા તાલુકામા ધમધમતા જુગારધામ પર દરોડા પાડી પોલીસે 1 લાખ 27 હજારના મુદામાલ સાથે 19 શકુનિઓની ધરપકડ કરી

મહુધા: તાલુકાના મીરજાપુર, ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં તેમજ ઠાસરા તાલુકાના કોટલીંડોરા ગામમાં ચાલતાં જુગારધામ પર સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડ્યાં હતાં. આ ત્રણેય જગ્યાએ મળી કુલ રૂ.૧,૨૭,૧૦૦ ના મુદ્દામાલ સાથે પત્તાપાનાનો જુગાર રમતાં કુલ ૧૯ જુગારીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના મીરજાપુર ગામમાં નદી કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને નાસભાગ મચતા કેટલાક જુગારીઓ ભાગી છુટવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં બિસ્મીલ્લાખાન પઠાણ, સલીમમીયાં મલેક, ફિરોજમીયાં કુરેશી, ગીરીશભાઈ પરમાર , આરીફમીયાં મલેક અને કાનજીભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૩૫,૦૦૦, દાવ પરના રૂ.૩૬૬૦ તેમજ ચાર નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૮૫૦૦ મળી કુલ રૂ.૪૭,૧૬૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 

(5:28 pm IST)