Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ચાર માળ સુધીના બાંધકામની મંજૂરી માટે ઓનલાઇન સબમિશન શરૂ

સોફટવેરની ક્ષતિ સુધારી દેવાયાનો દાવો : ટૂંકમાં તમામ પ્લાન માટેની પ્રક્રિયા ઓનલાઇન શરૂ થશે

અમદાવાદ, તા. ૧૯ : અમદાવાદ સહિત રાજયભરમાં બાંધકામના પ્લાન ઓનલાઇન સબમિટ અને મંજૂર કરવાનો નિયમ અમલી કરાયા બાદ તેના વાસ્તવિક અમલીકરણમાં સોફટવેરની ક્ષતિઓના કારણે અનેક પ્રકારની ગૂંચવણો ઉભી થઇ હતી ત્યારબાદ સરકારે જયાં સુધી ઓનલાઇન બાંધકામ પ્લાન મંજૂરીના સોફટવેરની ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી ઓફલાઇન પ્લાન સબમિશન અને મંજૂરીની કામગીરી હાથ ધરી છે, પરંતુ તાજેતરમાં જ હવે ચાર માલ સુધીના બાંધકામના પ્લાનની ઓનલાઇન પ્રક્રિયા ટ્રાયલ બેઝ પર શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત સ્થાપના દિન એટલે કે ૧લી મે ર૦૧૮થી બાંધકામના પ્લાન ઓનલાઇન કરવાનું ફરજિયાત કરાયું હતું. ૧૬ એપ્રિલ ર૦૧૮થી પ૦૦૦ ચોરસ મીટરથી વધારેના માત્ર રહેણાંક હેતુના બાંધકામ પ્લાનની ઓનલાઇન સબમિશનને મંજુરી આપવાનું શરૂ કરાયું હતું અને ૧લી મેથી નાના મોટા તમામ પ્રકારના રહેણાંક કે કોમર્શીયલ પ્લાન ઓનલાઇન સબમિટ કરવાનું ફરજિયાત કરાયું હતું.

સરકાર દ્વારા બનાવવામાં આવેલા સોફટવેરમાં અનેક ક્ષતિઓ રહેલી હતી. જે બાબતે ૧૪ વખત સુધારા પણ કરવામાં આવ્યા છતાં આ ક્ષતિઓ દૂર થઇ શકી ન હતી. બિલ્ડરો દ્વારા આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી અને સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો હતો, પરંતુ હવે સોફટવેરમાં રહેલી ક્ષતિઓ સુધારીને ફરી બાંધકામના પ્લાન અને મંજૂરી ઓનલાઇન કરવા માટે સરકારે હાલમાં ૧પ મીટરની ઉંચાઇ એટલે કે ૪ માળ સુધીના બાંધકામના પ્લાનને ટ્રાયલ બેઝ પર ઓન લાઇન સ્વીકારવાનું શરૂ કર્યું છે જે ટૂંક સમયમાં જ તમામ પ્લાન માટે ફરજિયાત થઇ જશે.

(3:28 pm IST)