Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૨૦૧૬ થી મામલો લટકતો'તો

ગુજરાત સરકાર ગર્વનર- મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી-પ્રધાનો માટે ખરીદશે વિમાન-હેલીકોપ્ટર

રૂ.૩૨૦ કરોડનો થશે ખર્ચ

અમદાવાદ, તા.૧૯:  પાછલા ૧૫ વર્ષમાં રાજયના VVIP હેલિકોપ્ટર અને વિમાનમાં વારંવાર સજાર્તિ ટેકનિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે સરકારે ૩૨૦ કરોડના ખર્ચે નવા વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકોપ્ટર મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, ગવર્નર અને અન્ય મંત્રીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવશે.

 

રાજય સરકાર વર્ષ ૨૦૧૬થી નવા વિંમાન અને હેલિકોપ્ટર ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ પહેલા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અને પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના કારણે વિવાદ ન થાય તે માટે ખરીદી પડતી મૂકાઈ. આ પહેલા એરક્રાફ્ટ ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર મગાવાયા હતા પરંતુ પછી કેન્સલ કરી દેવાયા. સરકારે હવે નવા એરક્રાફ્ટના ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બંને એરક્રાફ્ટ ખરીદવા માટે આ અઠવાડિયે જરૂરી મંજૂરી મળી ગઈ છે. ડિપાર્ટમેન્ટના ખાસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજય સરકારે બે નવા એરક્રાફ્ટ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે ૨૫૦ કરોડ રૂપિયા ફિકસ્ડ વિંગ એરક્રાફ્ટના અને ૭૦થી ૮૦ કરોડ હેલિકોપ્ટર માટે છે. હેલિકોપ્ટર માટે પાછલા વર્ષે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ ખરીદી કરાઈ નહોતી. હવે બંને માટે ટૂંક સમયમાં ગ્લોબલ ટેન્ડર્સ મંગાવાશે. નવું ફિકસ્ડ-વિંગ એરક્રાફ્ટ ૧૨ સીટર હશે અને તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૂચવેલા ખાસ સિકયોરિટી ફીચર્સ હશે.

રાજય પાસે હાલમાં રહેલું ફિકસ્ડ-વિંગ એરક્રાફ્ટ ૧૯૯૯માં અને હેલિકોપ્ટર ૨૦૦૭માં ખરીદાયેલુ ં છે. આ બંનેમાં ટેકનિકલ ખામી અને મેઈન્ટેન્સ માટે વાર્ષિક ૫ કરોડનો ખર્ચ થતો. ઉપરાંત મોટાભાગના સમયે તેમાં ટેકનિકલ ખામીના કારણે રિપેર કરવામાં લાંબો સમય લાગતો. એવામાં મુખ્ય મંત્રી માટે પ્રાઈવેટ પ્લેન ભાડે લઈને ઉપયોગ કરાતો. જેમાં પણ ખૂબ ખર્ચ આવતો.

વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને બે વખત ઈમરજન્સી લેન્ડીંગ કરવા પડ્યું હતું. ત્યારથી મુખ્યમંત્રીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મોટેભાગે પ્રાઈવેટ હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરાય છે.(૨૩.૯)

 

(11:35 am IST)