Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સમગ્ર સૌરાષ્ટ સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : મેઘ મહેરબાન

ગીર-સોમનાથમાં ચાર ઈંચથી વધુ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર : ૨૩ તાલુકાઓમાં સવાથી અડધા ઇંચ સુધીનો વરસાદ : ઉનામાં ટુંકાગાળામાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ : અનેક જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ રહી

અમદાવાદ, તા.૧૮ : ગુજરાતમાં પણ સતત સાર્વત્રિક વરસાદ થયો છે. અનેક વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉનામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છ ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાયેલી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન ઉપર આ સ્થિતિ કેન્દ્રિત થઇ છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના ૨૩ તાલુકાઓમાં સવાથી અડધા ઇંચ સુધી વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. તળાળામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા મહેરબાન થતાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ પંથકમાં ચાર ઇંચથી વધુ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. તો, તળાવો અને ચેકડેમોમાં પાણીની આવક વધતાં જાણે છલકાયા છે. વરસાદી મહેરને લઇ રાજયના ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.  છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩ તાલુકાઓમાં સવાથી અડધો ઇંચ જ્યારે ૮૭ તાલુકાઓમાં ૧૧થી ૧મી.મી સુધીનો વરસાદ નોંધાયો હતો. આમ, રાજયમાં આજે ૧૧૮થી વધુ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા સાર્વિત્રક વરસાદ નોંધાયો હતો.

         આજે વહેલી સવારથી જ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. ધોધમાર વરસાદના કારણે રાજયભરમાં જાણે ચોમાસાની સીઝન જામી હતી. જો કે, રાજયમાં વરસાદનું સૌથી વધુ જોર સૌરાષ્ટ્ર પંથકમાં નોંધાયું હતું. વહેલી  સવારથી વરસી રહેલા વરસાદને કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમયાંતરે ધોધમાર ઝાપટુ વરસી જતા શહેરના યાજ્ઞીક રોડ, લક્ષ્મીનગર, રિંગરોડ, મવડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  ગોંડલના ભોજરાજપરા શેરી નંબર ૧૦ મોળા કુવા પાસેના વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે સવારના વીજપોલ પાસે ઉભેલી ગાયને વીજ કરંટ લાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી અને રોષની લાગણી ફેલાઇ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ઉના અને ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા હતા. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં બે કલાકમાં ૨થી ૩ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગીરના તાલાલા ૩૩, વિસાવદર ૨૫, વેરાવળ ૨૫, કાલાવડ ૧૭, સુત્રાપાડા ૧૭, વંથલી ૧૪, માળિયા ૧૩, ખાંભા ૧૩, ભેસાણ ૧૨, મેંદરડા ૧૨, કેશોદ ૧૨, કલ્યાણપુર ૧૦, જૂનાગઢ ૯, કુતિયાણા ૮, ગીર સોમનાથ ૮, માણાવદર ૭, ભાણવડ ૬, પોરબંદર ૬, મોરબી ૪, લાલપુર ૩ અને રાણાવાવમાં ૩ એમએમ વરસાદ નોંધાયો હતો. રાજયના ૧૧૮થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લલાદક બની ગયુ હતુ. સાર્વત્રિક વરસાદને લઇ રાજયના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. ઉનામાં છેલ્લા ૧૨ કલાકના ગાળામાં જ   ધોધમાર ત્રણ ઇંચ વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની જોરદાર એન્ટ્રી થઇ છે. ગીર ગઢડા નજીક શાંગાવાડી નદીમાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ  છે. છેલ્લા ૨૪ કલાકમાં જે વિસ્તારમાં વરસાદ થઇ રહ્યો છે તેમાં રાજકોટ, ઉપલેટા, ગૌંડલ, જેતપુર, જસદણ, ધોરાજીનો સમાવેશ થાય છે.

(8:12 pm IST)