Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૧૩ લાખથી વધુની શરાબ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

બગોદરા હાઈવે ઉપર દારૂનો જથ્થો જપ્ત કરાયો :દારૂનો મોટો જથ્થો સૌરાષ્ટ્રમાં લઇ જવાનો હતો : અહેવાલ

અમદાવાદ, તા.૧૮  : અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે બગોદરા તારાપુર હાઇવે નજીકથી સૌરાષ્ટ્રમાં લઇ જવાતા રૂ.૧૩.૬૬ લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે મેંદાના લોટ ભરીને જઇ રહેલી ટ્રકને આંતરી તેની જડતી લેતાં તેમાં મેંદાના લોટની નીચે આ દારૂનો જથ્થો છૂપાવીને લઇ જવાતો હોવાનું માલૂમ પડયું હતું. પોલીસે ટ્રક, દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, દારૂનો આ મોટો જથ્થો સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો હતો અને એક આઇસર ગાડી મારફતે આ દારૂ ભરેલી ટ્રકનું પાયલોટીંગ કરવામાં આવ્યું હતુ પરંતુ પોલીસની સતર્કતાથી દારૂનો આ મોટો જથ્થો ઝડપાઇ ગયો હતો. સૌરાષ્ટ્રમાં અવનવી પદ્ધતિથી બુટલેગરો દારૂ ઘુસાડતા હોય છે, જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ સક્રિય બની સૌરાષ્ટ્રમાં પહોંચાડાતા દારૂના જથ્થા ઝડપવા તજવીજ હાથ ધરી હતી. ગઇકાલે ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે મેંદાના લોટ ભરીને જતી ટ્રકને રોકી અંદર તપાસ કરતા લોટની થેલીની નીચે ૯૫ જેટલી દારૂની પેટીઓ (કિંમત રૂ.૧૩.૬૬ લાખ) મળી આવી હતી. ટ્રકની આગળ પાયલોટીંગ કરતી આઇસર ગાડી પણ પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે આ ગુનામાં પંજાબના ગુરુપ્રિતસિંગ શીખ, નથ્થુરામ કુંમહાર અને હરિયાણાના મોનુ જાટ એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સૌરાષ્ટ્રમાં લઇ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. જેને લઇને બુટલેગરોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

(7:47 pm IST)